પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪


એક દિવસ બપોરે એકલી બેઠી બેઠી પોતાના ઘરના ઇતિહાસનો તે વિચાર કરતી હતી. બાલ્યાવસ્થાનાં સુખદુ:ખ સાંભર્યાં. ઉગતી જુવાનીમાં પતિનું મન સમજાતું ન હતું અને પતિની સાથે એ વાતમાં ભેદભાવ હતો, તેથી પોતાને તીવ્ર વેદના થતી, પતિની જ કૃપાથી એ વેદના મટવા વારો આવ્યો. પતિને શાળાની નોકરી હતી અને દમ્પતી એકલાં ર્‌હેતાં તે પ્રસંગે પોતાનો અભ્યાસ ઝપાટાબંધ ચાલતો. ઘરમાં પોતાને કામ થોડું હતું, પતિના અત્યંત પ્રેમનો અનુભવ કરવાને અવકાશ મળતો, કોઈ જાતની ચિંતા ન ર્‌હેતી, યુવાવસ્થાની વાડી વધારે વધારે ખીલવા લાગી તેમ તેમ શરીર૫ક્ષીના ભોગવિલાસ અને પંડિત હૃદયના અત્યંત સ્નેહનો વસંત - ઉદય થયો હતો – આ સર્વ વાતો ગમે તેવી પણ અબળાના હૃદયમાં ઉપરા ઉપરી ઉભરાવા લાગી. હાલમાં કુટુંબભારની વેઠ વ્હેવામાં એ સર્વ વાતો સ્વપ્ન જેવી થઈ ગઈ લાગી. એ સ્વપ્ન ફરી નહીજ આવે એવી નિરાશા ક્રૂર લ્હેણદારની પેઠે હૃદયદ્વારની વચ્ચોવચ ઉમ્મર રોકી બેઠી, અને પાંચ પાંચ માસ થયાં પતિ ઘરમાં ને ઘરમાં છતાં તેની સાથે વાત સરખી થઈ શકતી નહોતી તે વિચાર થયો, એ વિચાર થતાં એકાંતે આંખમાં આંસુની ધાર ચાલી રહી. ખોળામાં બાળક કુમુદસુંદરી હતી તેને પોતે પંપાળતાં બાળક૫ર આંંસુનાં ટપકાં પડ્યાં તે લોહ્યાં. “અરેરે સુખી દેખાતી દીકરી ! ત્હારે યે શું મ્હારા જેવું થશે ?” એમ ક્‌હેતાં ક્‌હેતાં ન્હાની કુમુદને ઉચી કરી પોતાના મુખ આગળ ધરી, કુમુદ જગતમાં જન્મ્યા પછી આ વખતે જ પહેલવહેલું હસી, ગુણસુંદરીએ તેને છાતી સરસી ડાબી. ડાબતાં ડાબતાં માનું હૃદય ભરાઈ આવ્યું, અને સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી આગળ જતાં એકજ ઘરમાં અત્યંત સ્નેહ છતાં પરાયાં જેવાં ર્‌હેવાનાં હતાં, તે સૂચવનાર અમંગળ શકુન થતા હોય તેમ દીકરીને છાતી સરસી વધારે વધારે ડાબતી ગુણસુંદરી, ઘરમાં પોતાને એકલી જાણી, ન ર્‌હેવાયું તેથી મોકળું મુકી, રોઇ. એ રોઇ તે કોઇએ સાંભળ્યું હોય અને આવતું હોય તેમ પગનો ઘસારો થયો, અને ગુણસુંદરી આંસુ લ્હોઈ એકદમ ચુપ થઇ ગઇ.

આજ જરાશંકર મામાને ત્યાં જમવાનું હતું. સૂતકી ગુણસુંદરીને ઘર સોંપી સઉ જમવા ગયાં હતાં, એટલે બારણું અમથું વાસી તે એકલી બેઠી હતી. વિદ્યાચતુર કામમાં રોકાયલો હોવાથી અવકાશે જમવા જવાનો હતો. અવકાશ મળ્યો એટલે એ ઘેર આવ્યો, બારણું ધીમે રહી અડકાવી વાસ્યું ને સાંકળ દીધી તે ગુણસુંદરીએ જાણ્યું નહી.