પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮

પતિના હાથમાંથી બાળકને લેઇ લેતી સ્ત્રી બોલી: “મ્‍હારી એક ભુલ થઇ. તમારી પાસે આ ઇતિહાસ કહ્યો તો તમારે મ્‍હોયે મ્‍હારાં પોતાનાં વખાણ સાંભળવાનો વખત આવ્યો. તમે પોતાનાં વખાણ કરતા નથી ને મ્‍હારાં કરો છો એટલે તમારા મનમાં મ્‍હારી તમારી વચ્ચે એક ભેદ રહ્યો ત્યારે હવે આ વાત કરવી પડતી મુકું છું,”

એક ઉત્તરવડે ચતુર પત્નીએ બે અર્થ સાર્યા. પોતાની સ્તુતિ કરતો તેને અટકાવ્યો અને બીજું આ વચન સાંભળી પોતે કરેલો ખેદ ભુલી એ પુષ્કળ હસ્યો અને બોલ્યો “ બહુ સારું, મડમ સાહેબ, મને પણ મ્‍હારી ભુલ યાદ આવી. હવે વખાણ નહીં કરું. ચલાવો કુટુંબકથા.”

કુટુંબકથાની અરઘટ્ટઘટિકા[૧] પાછી ચાલવા માંડી અને તેનો અંતભાગ નીચે પ્રમાણે આવ્યો:

“મ્‍હેં ઘરમાં બધાંની જોડે વાત કરી જોઈ છે, પ્રથમ તો તમે કમાવ છો ને મ્‍હોટા ભાઇનો કાંઈ જોગ ન થાય તે તમને સારું દેખાય નહી. વડીલ પણ એ વાતથી નારાજ છે. બીજું, તમારા ઘરમાં સઉને આનંદ ને દુઃખબા બ્હેન દુ:ખમાં રહે એ શોભે નહી. સાહસરાયને બે પઇસાની મદદ કરશો ને એ ન્‍હાશભાગ કરતા મટી ગામમાં આવી બે પઇસા કમાતા થશે તો એ પણ તમારું ભાંડુ છે. કુમારીને વર છે પણ લગ્ન કરવાનું ખરચ ક્યાંથી ક્‌હાડવું, તેના વિચારમાં દુ:ખબા બ્હેન સોસાઈ જાય છે ને કોઈને ક્‌હેવાતુ નથી. હવે આ આપણું બાળક હોડશે પ્‍હેરશે ને ચંચળ બ્‍હેનનાં છોકરાં વગર ધરેણે ફરશે એ સારું દેખાય તો તમે જાણો. માતુશ્રીને પણ આ બધી બાબત મનમાં થાય છે. વળી એમના દેવનો લાકડાનો પાલખો બદલી રુપાનો કરાવો તે એમનો પોતાનો પણ એક અભિલાષ પુરો થાય. આટલું કરો તો હવણા ચાલશે, બાકીનું પછી થઈ ર્‌હેશે"

“હજી બાકી છે કે ? તો તે કહી દે ને !” હબકી ગયા જેવો થઈ વિદ્યાચતુર બોલ્યો. ગુણસુંદરી તે સમજી ગઇ. પતિની કમાઇ ટુંકી હતી, તેમાંથી એકદમ સર્વ કુટુંબભાર વ્‍હેવાનું માથે પડતાં, ખરચ પણ એકદમ વધી ગયું હતું. પોતાના સીમંતનું મ્‍હોટું ખરચ હવણાંજ ક્‌હાડયું હતું અને બચાવેલું દ્રવ્ય તેમાં ઘસડાઈ ગયું હતું. આ વગેરે સર્વ સાંભરી આવતાં ઢીલી પડી જઈ બોલી, “જેને જે વીતે તે જાણે


  1. ૧ પાણી ક્‌હાડવાનો ર્‍હેંટ