પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨

अपारसंसारसमुद्रमध्ये निमञतीनां शरणं किमस्ति
गुरो कृपालो कृपया वदैतत् विश्वेशपदाम्बुजदीर्घनौका ॥

આ શ્લોક બોલાતાં જ ગુરુ પ્રસન્ન થયા હોય એમ વિદ્યાચતુરનાં પુસ્તકો પર દૃષ્ટિ પડી, અને ઉઠી તેમાંથી એનાં ખાનગી ટિપ્પણનું પુસ્તક ઉપાડી ઉઘાડે છે તે અનાયાસે મલ્લરાજે આપેલી પ્રથમ આજ્ઞાનાં વાકયવાળુંજ પાનું ઉઘડયું.

“સુન્દરભાભી, આ જુવો તમારા દિયર મહારાજની નોકરીમાં રહ્યા તે પ્રસંગે મહારાજે એમને કરેલી પ્રથમ આજ્ઞા. એમાં જુવો કે સ્ત્રિયોના કેટલા કેટલા ધર્મ લખ્યા છે? પુરુષોને એથી વધારે ધર્મ પાળવા પડે છે. મહારાજની આજ્ઞા આપણે પણ પાળવા જેવી છે.”

સુન્દરે સઉ વાંચી જોયું: પુસ્તક પાછું આપતી આપતી બોલી, “ન્હાનાં ભાભી, એ બધું ખરું, પણ આપણે યે માણસ છિયે. એમને ખોટું લાગે ને તમને ન લાગે, ન્હાના ભાઇ કમાય ને ન્હાનાં ભાભી વૈતરું કરે અને તબડકા વેઠે; પણ એની તો કોઇને ગુણઓશીંગણ નહી, નહી તો નહી પણ સામું વગર વાંકે આરોપ મુકાય ને ન્યાય અન્યાય તો તમારો તોળાય નહી – એ તે કંઇ રીત છે ? એવું એવું ખમવાની આજ્ઞા તે મલ્લરાજ પણ ન કરે.”

નીચું જોઇ વિચારમાં પડી આખરે ગુણસુંદરી બોલી: “સુન્દરભાભી, તમે ધારો છો એમ નથી. ઈશ્વર માણસને માથે હજારો જાતની વિપત્તિયો નાંખે છે તેનો કંઇ હેતુ નહી હોય એમ નહી હોય. દુ:ખથી માણસ ઘડાય છે ” –

“ઉંઘ્યો તમારો ઈશ્વર !” સુન્દર અકળાઇને બોલી; “જોને વાત કરે છે તે ! આ ન્હાનપણમાંથી મ્હારે તો સુખ દેખવા વારો આવ્યો નથી અને આ અવતારમાં આવનાર નથી. હેવાતન ગયું તેને મરતા સુધી દુઃખ. પછી એ દુઃખથી તે કિયા અવતારમાં ઘડાઈ ર્‌હેવાનું છે ને સુખ દેખવાનું છે ? એમ ક્‌હો કે પાછલે અવતારે કર્યું હશે, ત્યારે આ અવતાર ભોગવિયે છિયે તે ખરું, અને આવતા અવતારની વાત ખોટી આશા એટલી નિરાશા. દુઃખ, દુઃખ ને દુઃખ!”

“તમે ક્‌હો છે એ વાત સમૂળગી ખોટી નથી, પણ પાછલો અવતાર ખરો માનવો ત્યારે આવતો અવતાર કેમ નહી ? લખચોરાશીની ઘટમાળ ફર્યા કરે છે. તપેશ્વર તપ કરે છે તે આવતા અવતાર માટે, આપણે યે જે દુ:ખ ખમવાં પડે તે પણ એક જાતનું તપ !”