પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૭

થઇ તે હાલતી ચાલતી બંધ થઇ, બોલતી રહી ગઇ, અને શબજેવી બની ગુણસુંદરીના ખોળામાં હતી તેવી સજડ થઈ ગઈ. ગુણસુંદરી પણ અત્યંત દયાથી સુંદરનો બોલેબોલ પડતાં રોતી હતી, એને છાતી સરસી ડાબતી હતી, અને રોવામાં પોતાનાથી પણ બોલાતું નહી તેથી માત્ર એને વાંસે હાથ ફેરવતી હતી, તે એને આમ બોલતી બંધ થઇ ગઇ જોઈ એનું માથું ઉંચું કરવા લાગી અને રોતી રોતી બોલવા લાગી: “સુંદરભાભી, સુંદરબ્‍હેન, આમ શું કરો છો ? ઉઠો – તમને મ્‍હારાં સમ ! હું મરું જો ઓછું આણું તો – આ છોકરી મરે ! સુંદરબ્‍હેન ! સુંદરબ્‍હેન ! હશે – ન કહેવાય તો ન કહેશો-”

સુંદર ઉઠી અને ફરી વળગી પડી – “ઓ મ્‍હારી બ્હેન – ઓ મ્‍હારી મા – હું સગા ભાઇને વધારે પડી તેને તમે સંઘરી તે તમે મ્‍હારી મા નહી તો બીજું કોણ ? – આમ તો માયે ન કરે ! – તમને નહી કહું ત્યારે તે કોને કહીશ?”– એમ કહી મ્‍હોટે સાદે રોઇ પડી. તે નીચે સંભળાયું પણ ક્રોધને માર્યે કોઇએ તે પર ધ્યાન આપ્યું નહી. માત્ર માનચતુર ઘરમાં આવી સઉના ક્રોધનો તાલ જોતો હતો તે એકદમ લાકડી ઝાલી ઉપર આવ્યો.

ડોસાને ઉપર આવ્યો જોઇ બે જણ સફાળાં ઉઠ્યાં અને અાંખો લોહી નાંખી સામાં ઉભાં રહ્યાં. ડોસાએ પુછ્યું: “કેમ સુંદર! કેમ રડે છે? ગુણસુંદરી, શું છે ?”

સુંદરે તો ઉત્તર ન દીધો ને નીચું જ જોઈ રહી; પણ ક્રોધ ડાબી રખાયો નહી અને ખરી વાત કહેવાનો લાગ ઠીક આવ્યો છે તે જવા ન દેવો જાણી જરા ઉંચે સ્વરે ગુણસુંદરી બેલી – “કોણ જાણે શાથી રુવે છે તે ! જમીને અચિંતાં બારણું ઉઘાડી એ આવ્યાં અને પાછળ ધસતા ધસતા મ્‍હોટાભાઈ આવ્યા ને મને દેખી ઉપર ચાલ્યા ગયા – તે વખતથી સુંદરભાભી રુવે છે ને કારણ કહેતાં નથી, બધાંને પુછિયે પણ આજ તો હું યે પણ કાંઇ વાંકમાં જ આવી હઇશ એટલે કોઇ મ્‍હારી સાથે યે બોલતું નથી એટલે કોને પુછવું ? મ્‍હારો વાંક કહે તો હું સુધારુ, પણ ક્‌હે નહી ત્યારે તો શું કરુ ? – રોશો નહીં, સુંદરભાભી !"

“ઠી-ક! એ તો સમજ્યો બધું.” ડોસાને ક્રોધ ચ્‍હડ્યો, ને પાસે કોણ ઉભું છે ને શું બોલવું ને શું ન બોલવું તેનું ભાન ન રહેતાં મ્‍હોટે સાદે બોલતો બડબડતો મુછે હાથ દેતો એક પછી બીજા પગથિયા