પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯

મંડળ પલટણ પેઠે હારદોર છાનુંમાનું તેના સામું જોતું ઉભું રહ્યું, અને તે કોટડીમાં પેશી લાકડી નીચે નાંખી દેઇ ખાટલામાં બેઠો. તે બેઠો તેની સાથે તેના પ્રતાપ અને ભયથી શાંત થયેલી ધર્મલક્ષ્મીની સૂચનાથી ચંચળ ગુણસુંદરીની મેડિયે ગઈ, અને મનનો આવેશ સંતાડી મલકતું મ્‍હોં રાખી આવડવાળી નણંદ બે ભાભિયોને નીચે લેઇ આવી, સઉ શાંત થઇ ઘરમાં કામે વળગી ગયાં. ડોસે આ સર્વ જોયું, તે પોતે પણ શાંત થયો, પોતાનો અર્થ સર્વ રીતે સિદ્ધ થયો લાગ્યો, અને કરચલીવાળી ફીક્કી અાંગળિયોવડે ધોળી મુછો આમળતો બોલ્યો: “ વારુ, તમારી મ્‍હેરબાની કે સઉયે આટલાથી જ સમજી ગયાં – બાકી બીજે ઠેકાણે તો “ત્રાહિ દીનાનાથ ” – એવાં માણસ દીઠાં છે કે સામ દામ ભેદ દંડ ગમે તે કરો પણ ધુળમાં આળોટવા પડેલાં જાડી ચામડીનાં ગધેડાં સમજે તો એ સમજે. એમ લાગે છે કે ઈશ્વર હજી મ્‍હારા ઘર સામું કંઇ જુવે છે.” ડોશીને હરતી ફરતી અને ગુણસુંદરીને મિષે મિષે મનાવતી જોઈ ડોસો એકલો એકલો , ખુશ થયો, હસ્યો, અને બોલ્યો: “હાં, આ બધાં શાંત થયાં તેનું કારણ આ ડોસલી ! ભૈરવકાળકાનો ક્રોધ શમાવવા શિવજી એના પગતળે સુઇ ગયા હતા તેમ મ્‍હારો ક્રોધ શમાવવા ડોસલી કરે એવી છે. ખરે, જેને જેવું તેને તેવું કાંઇ મળી જ રહે છે – નીકર મને આ મૂર્તિ ક્યાંથી મળે? ન્‍હાનપણમાંથી દુર્વાસા જેવો આ હું તેને ન્‍હાનપણમાંથી આવી શાંત અને લાતો પર લાતો પડે ત્‍હોયે પુછે કે લાત મારતાં તમારે પગે વાગ્યું તો નથી ? એવી – આ ધર્માત્મા ન મળી હત તો એક બે બાયડીનાં તો મ્‍હેં ઠેર ખુન કર્યા હત ! – પણ આનો આવો સ્વભાવ ઘડનાર એનાં માબાપ સ્વર્ગમાં બેઠાં હો ત્યાં પણ એમનું કલ્યાણ થજો ! અરે ! ” – આમ બોલતો બોલતો અને વિચાર કરતો કરતો માનચતુર શાંત થઇ સુઇ ગયો અને નીરાંતે નિદ્રામાં પડ્યો.

આ દિવસ પુરો થઇ રહ્યો. દિવસે ભારે જમણ જમેલાં તેથી રાત્રે કોઇને જમવું ન હતું. માત્ર ગુણસુંદરી વાળુ કરવાની હતી; પોતાને એકલીને વાસ્તે ક્યાં ખટપટ કરાવવી જાણી એ પણ આળસી જવા જેવું બોલવા લાગી. પણ ડોસો ઉંઘી ગયો ત્યારથી તે અત્યારસુધીમાં ઘરનો સર્વ સ્ત્રીવર્ગ શાંત થઈ એકબીજા સાથે ઘણા દિવસના એકઠા થયેલા ખુલાસા કરવા મંડી ગયો હતો, સઉ અન્યોન્યને મનાવવાને આતુર બન્યાં હતાં, પરસ્પર પ્રીતિ બતાવવા લાગ્યાં હતાં, અને નિત્ય દીઠેલો કંકાસ જાણે સ્વપ્નમાં જ થઇ ગયો હોય એમ ગઇગુજરી ભુલી