પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫

મ્હારા વૈરાગ્નિથી આજ શઠરાયનું કુટુંબ ભસ્મ થઈ ગયું – તે વૈરાગ્નિના પ્રચંડ તાપ અને તેજના અહંકારમાં હું મ્હારી રંક જાત ભુલી ગયો હતો અને એ અગ્નિના બળને મ્હારું પોતાનું બળ માનતો હતો. તે અગ્નિ હવે શાંત થઈ ગયો અને તે શાંત થતાં પ્રધાનપદ રાખવાને મ્હારું ગજું નથી તો મેળવવાનું તે ક્યાંથી હોય ? – એ વિચાર અત્યારે થાય છે. ઓ પ્રભુ ! એ વૈરાગ્નિ તે ત્હારી જ શક્તિ, ત્હારી જ ઈચ્છા,– કોઈ અતર્ક્ય ભેદ ભરેલા કારણથી ત્હેં એ શક્તિ - એ ઈચ્છા – પ્રવર્તાવી ને હવે શાંત કરી. તો હું તો એ અગ્નિની જડ સગડી જેવો રંક જીવ છું. એ અગ્નિના જન્મકાળથી બળવા માંડેલા શઠરાયના કુટુંબ પેઠે - એ બળી રહેલા કુટુંબ પેઠે – હું પોતે જ એ અગ્નિદેવતાને હાથ નહીં અરકાડું, હું એ અગ્નિદેવને નિર્માલ્ય નહી ગણું ! પ્રભુ ! એને અપમાન તે તને જ અપમાન છે - પ્રલયકાળની ઉત્પત્તિ ત્હારામાં છે તો આવા ક્ષુદ્ર અગ્નિની કેમ ન હોય ?”

“એ અગ્નિ પણ જડ છે – એક ચૈતન્ય તું પ્રભુ છે ! હું રંક વિધવાનો પુત્ર તેને ખોળે ત્હેં આ સંપત્તિ આપી, આ કુટુંબ આપ્યું, આ કીર્તિ આપી, એ સર્વ ત્હારી કૃપાનાં ફળ – તેમાંથી એક ફળ તને પાછું આપવાને સમય આવ્યો ત્યારે જે હું પાછી પ્હાની ક્‌હાડીશ - તો મ્હારા જેવો કૃતઘ્ન કોણ ? જેટલું આપ્યું છે તે સર્વે તું પાછું લેઈ લે ત્યાં સુધી તો હું એક ત્હારી સેવાનિમિત્તે એટલું કરવાને બંધાયલો છું !”

“આ સેવા કરતાં બડબડવું કે મનમાં દુઃખ પામવું એ શાને ? મને તેમ કરવા શો અધિકાર છે ?”

“દુષ્ટરાય ! શઠરાય ! તમારા કારભારરૂપ કારણના કાર્યરૂપ બંધાયલા દેહવાળો મ્હારો કારભાર – તમારા જેવો મ્હારો કારભાર - કાલ પ્રાતઃકાળે પુરો થશે; તમારા જેવો હું છું તે કાલથી મટીશ – કાલથી મ્હારા કારભારનું કારણ એક જ ર્‌હેશે - એ કારણ ઈશ્વરની સેવા, લોકની સેવા, મહારાણો શુદ્ધ હશે તેટલી તેની સેવા – આ કારણથી મ્હારા પ્રધાનપદનો દેહ કાલથી બંધાશે; બાકી હું તો હતો તેવો રંક - તસુ પૃથ્વી સુવા જોઈએ ને કોળીયો અન્ન ખાવા જોઈએ – તેનો અધિકારી...ઈ...”

એટલું મનમાં બોલતાં બોલતાં બુદ્ધિધન નિદ્રાવશ થયો. રાજા અને પ્રધાનની નિદ્રા ક્‌હેવાતી નથી, પણ કેવળ ધર્મને અર્થે પદ ભોગવનાર