પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૯

દુઃખ દેવાનું પાપ પોતાને શિર કેમ નહી તેનું બરોબર સમાધાન થયું નહી. પણ “થયું તે ન થયું થનાર નથી” ગણી તે વાતનો વિચાર દૂર કર્યો અને વિષ્ણુદાસબાવાનું નામ ધારણ કરી, યજ્ઞોપવીતનું વિસર્જન કરી, જટા અને વિભૂતિ ધારણ કર્યાં. પોતાની વિદ્વત્તાથી અને પ્રવીણતાથી થોડે કાળે વિષ્ણુદાસ જોગીયોની ગુરુ–પદવી પામ્યો અને તેની સાથે યદુનંદનના મંદિરમાં ગુપ્ત રાખેલાં ભક્તિમાર્ગનાં રહસ્ય દર્શાવનાર પુસ્તકોનો સ્વામી થયો.

એ પુસ્તકોમાંથી વિષ્ણુદાસને ઘણું ઘણું મનન કરવાનું મળ્યું. આ મન્દિર ઘણું પ્રાચીન હતું અને તેના અધિકારી બાવાઓમાં પ્રસંગે પ્રસંગે સમર્થ વિદ્વાનો આવેલા હતા. બે ચાર પુરુષો સાધારણ નીવડે ત્યારે તેનો અનુયાયી કોઈક સમર્થ નીવડતો. આ ગોસાંઈઓ અલખવાદી હતા અને તેમાં યદુનંદનની પૂજા જોડાવાથી તેમના અસલ પુરુષોએ કંઈ કંઈ શાસ્ત્રાર્થ કરીને અને કંઈ કંઈ પુસ્તકો રચીને પોતાનો સંપ્રદાય સ્થાપ્યો હતો. પ્રાચીનતમ પુસ્તકોમાં અલખ એટલે અલક્ષ્ય એટલે નિર્ગુણ બ્રહ્મ એવો અર્થ કરેલો હતો. એક પુસ્તકમાંથી એવું જણાઈ આવ્યું કે તે કાળે આ મઠવાળા વેદાંતી હતા અને શુદ્ધ બ્રહ્મને બ્રહ્મ નામે માનતા. પણ પાસે જ જૈન આચાર્યો ર્‌હેતા તેમની સાથે આ ગોસાંઈઓને વાદ થતા, અને વેદાંતના મત વિરુદ્ધ જૈનોએ એવી તકરાર ઉઠાવી કે ખરી કે ખોટી માયા અને તેથી ભિન્ન બ્રહ્મ એમ બે વાનાં માનનારા વેદાંતીઓ પોતાને અદ્વૈતવાદી કહે તો वदतो व्याघात ના દોષમાં આવે છે. આ પક્ષનો પ્રતિપક્ષ સમર્થ ગોસાંઈઓએ શંકરાચાર્યના સમર્થ આધારે કર્યો અને ફાવ્યા; પરંતુ સાધારણ વર્ગના લોક એ વાદવિવાદ સમજી શક્યા નહી અને ઘણા લોક જૈન સંપ્રદાયને સ્વીકારવા લાગ્યા. નદીનું પૂર આણીપાસ વળતું જોઈ તેને અટકાવવા ગોસાંઈઓએ નવી યુક્તિ કરી, અને પોતાના મૂળ અલખ–વાદમાં લખ–વાદ ઉમેર્યો અને એમનો મત અલખ-લખ–વાદ ક્‌હેવાવા લાગ્યો. એક અલક્ષ્ય બ્રહ્મ સર્વવ્યાપી છે પરંતુ નામ-રૂપ-આદિ વિશેષણોથી તે અલક્ષ્ય ક્વચિત્ લક્ષ્ય થાય છે અને પોતે પોતાની લક્ષ્યતાનો સાક્ષી થાય છે ત્યારે લક્ષ્ય ક્‌હેવાય છે તેને ઈશ્વર ક્‌હો, માયા ક્‌હો, કે ગમે તે નામે ઓળખો. પરંતુ એ સર્વ લક્ષ્ય એટલે લખ છે, અને તેમાં વિવિધ પરિણામને અંતે મનુષ્ય લાખ થાય છે અને જ્ઞાનના સાધનથી એ લખમાં અલખ જાગે છે. આવી જાતનો સંપ્રદાય સામાન્ય લોકથી સમજાવા લાગ્યો તેની સાથે ગોસાંઈઓનું