પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦

બળ વધવા લાગ્યું. વળી યદુનંદનની પ્રતિમા, બ્રહ્મા, વિષ્ણુ અને માહેશ્વર, વિષ્ણુના અવતાર, એ આદિ અનેક કથાઓનો લખ–વાદમાં અંતર્ભાવ બહુ સુલભ થઈ પડ્યો. કૃષ્ણાવતારનું રહસ્ય પણ અલખ જગાવનારને સમજાવવામાં આવતું. આવી રીતે સાધારણ માણસોને પોતાના પંથમાં ભક્તિ-માર્ગને પગથીયે પગ મુકાવી, તેમને રહસ્યના જિજ્ઞાસુ કરી, અંતે અદ્વૈત અલખના સંપ્રદાયરૂપ શિખર ઉપર લઈ જવામાં આવતા.

વિષ્ણુદાસ અધિકારી થયા તે કાળે ભિન્ન ભિન્ન પંથવાળાની આ ચસાચસી બંધ થઈ ગઈ હતી, અને જૈન લોકને બદલે શિવમાર્ગીઓ, શાક્તો, અને વૈષ્ણવો ઘડી ઘડી હુડુયુદ્ધો કરતા હતા. કેટલાક સારા માણસોને આથી આ સ્થળ ઉપર અનાસ્થા થતી હતી, અને વિષ્ણુદાસ અધિકારે ન આવ્યા હત તો સુંદરગિરિ તેમ સુરગ્રામ ઉભયનું માહાત્મ્ય અસ્ત થાત. પણ એ બાવાએ શાંતિથી, સહનશીલતાથી, ઔદાર્યથી, અને ચાતુર્યથી, અસ્ત થતું માહાત્મ્ય ટેકાવ્યું, ધર્મયુદ્ધોને ઠેકાણે ધર્મસમભાવ પ્રવર્તાવ્યો, અને नम्रत्वेनीन्नमंतः परगुनकथनैः खान् गुणान् ख्यापयन्त *[૧] આદિ પદેાવાળા શ્લોકને અનુસરી, સર્વને તારી પોતે તર્યા, સર્વની પ્રતિષ્ઠા વધારી પોતાના પંથનો ઉત્કર્ષ કર્યો, અને પોતે સર્વ દેવને નમસ્કાર કરી પોતાના દેવને સર્વપાસે નમસ્કાર કરાવવા લાગ્યા.

સરસ્વતીચંદ્ર મન્દિર પાસે આવ્યો એટલામાં એને ત્યાં લાવનાર બાવાઓએ પોતાના ગુરુજીના અને - તેમના પંથના આ ઈતિહાસનો કંઈક પરિચય કરાવ્યો અને ગુરુજીની સુજનતા અને શક્તિની સ્તુતિ એના શ્રવણમાં રેડી. આ નવીન અનુભવ અને નવીન વિનોદના બળથી મંદિરપાસે આવી ઉભો તે કાળે કુમુદસુંદરી એના મનમાંથી અગોચર થઈ ગઈ, ગોસાંઈઓના સુકીર્તિત સ્વામીને જોવા તેના મનમાં આતુરતા સજ્જ થઈ અને જેના સેવકોએ પોતાના ઉપર આટલો ઉપકાર કર્યો હતો અને આટલો વિદ્વદાનંદ આપ્યો હતો તેના આતિથેય અને સમાગમનું પાત્ર થવા એની ઉપકૃત વૃત્તિ વધારે ઉપકારના ભોગની કામુક બની. શોક-તિમિર અદ્રશ્ય થયું અને પ્રસન્ન મુદ્રા એના મુખ ઉપર સ્ફુરી આવી. મંદિર પ્રત્યક્ષ થયું તેની સાથે સર્વ બાવાઓ ગાજી ઉઠ્યા: “નંદકો નંદન એક આનંદ દેત હય !”


  1. *“નમ્ર થઈ તે જ સાધનથી ઉન્નત થતા, અને પારકાના ગુણોનું કથન કરવાથી જ પેાતાના ગુણને પ્રસિદ્ધ કરતા.”