પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧

"જય યદુનંદન ! જય યદુનંદન !” કરતું સર્વ મંડળ મંદિરના ૫ગથીયાં અાગળ અાવ્યું.

આ મંદિર દેવાલયના આકારનું ન હતું, પણ એક વિશાળ મઠના આકારનું હતું. આ મઠને એક માળ પણ ન હતો. આગળ ચુનાગચ્છીનો ઓટલો, તેમાંથી અંદર જવાનું એક દ્વાર, દ્વારમાં પ્રવેશ કરતાં એક મ્‍હોટી છાપરાવાળી ઓસરી, ઓસરીનાથી આગળ એક મ્‍હોટો છોબન્ધ ચોક, ચોક વચ્ચે મ્‍હોટી ચતુષ્કોણ વેદિ, વેદિ ઉપર ચાર હાથ ઉંચો તુલસીકયારો, ચોકની બે પાસે બે મ્‍હોટી શાળાઓ, તથા ચોકની પાછળ અને શાળાઓ વચ્ચે એક બીજી ઓસરી હતી, અને ઓસરીને મધ્યભાગે મ્‍હોટી ઓરડીના આકારનું મંદિર હતું. પૂજા પ્રસંગે દ્વાર ઉઘાડાં રાખી અને સમાધિપ્રસંગે દ્વાર બંધ કરી વિષ્ણુદાસ મંદિરમાં દ્હોડેક હાથ ઉંચી યદુનંદનની પ્રતિમાની એક પાસ દર્ભાસન ઉપર બેસતા, અને અન્ય પ્રસંગે જમણી પાસની ઓસરીમાં બેસતા, ફરતાં, અને સુતા. પ્રાતઃકાળે સમાધિ તથા પૂજા થઈ રહ્યા પછી, પોતાની ઓસરીમાં આવી કથા ક્‌હેતા; તે થઈ રહ્યા પછી એકલા બેસી શાસ્ત્રવિચાર કરતા; તે પછી આગળની ઓસરીમાં સર્વ ગોસાંઈઓની સાથે એક પંક્તિયે બેસી ભોજન કરી, તે થઈ રહ્યા પછી, પોતાની મંડળી લેઈ સુંદરગિરિ ઉપરથી નીચે ઉતરી, ચારે પાસનાં ગામમાં અલખ જગવવા તથા ભિક્ષા લેવા જતા; ત્યાંથી સંધ્યાકાળે પાછા ફરી પૂજાપાત્રી તથા જ્ઞાનવિચાર કરી, રાત્રે બાર વાગે નિદ્રાવશ થતા. બ્હારથી પાછા મોડા આવે ત્યારે પૂજા બીજું કોઈ કરતું.

વિષ્ણુદાસના અનુયાયી ગોસાંઈઓના ચાર ભાગ પાડેલા હતા. છેલો વર્ગ “અનધિકારી” પુરુષોનો હતો; તેમને માત્ર પૂજા પ્રસંગે સ્વામી સાથે ભક્તિ-ભજન કરવાનો અને ભોજન-પ્રસંગે તેમનાં વચનામૃત સાંભળવાનો અને શંકા-સમાધાન કરાવવાનો અધિકાર હતો. બીજો વર્ગ કનિષ્ઠ અધિકારીયોનો હતો; તેવા અધિકારીયો કથામાં અઠવાડીયામાં બે દિવસ શ્રવણ કરવા બેસતા અને બાકીના દિવસ શાસ્ત્રાભ્યાસ અને શાસ્ત્રમનનમાં ગાળતા. આ બે દિવસ સ્વામી ભક્તિમાર્ગનું રહસ્ય બતાવતા, મધ્યમાધિકારીઓ આ બે દિવસ શ્રવણ કરતા અને તે ઉપરાંત બીજા બે દિવસ સ્વામી પાસે યોગાધ્યયન કરતા ઉત્તમાધિકારી જુજ હતા; તેઓ આ સર્વ દિવસોએ શ્રવણ કરવું હોય તો કરે, અને તે ઉપરાંત બાકીના દિવસોએ સ્વામી પાસે વેદાંત શ્રવણ કરતા. સ્વામી પોતાનું મંડળ લેઈ નિમ્ન દેશમાં રોજ ફરવા જાય અને ઉગ્ર તાપને