પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રસ્તાવના.
——>o<——

મનુષ્યના ભાગ્યમાં સંપત્તિવિપત્તિના પ્રવાહો અવળાં સવળાં વહન કરે છે. તેમ જ મનુષ્યસમૂહથી ભરેલા દેશોના ભાગ્યમાં પણ થાય છે. આ દેશને શિર પાછલાં બે ત્રણ વર્ષથી પડવા માંડેલી બહુરંગી વિપત્તિઓ સર્વદૃષ્ટ છે તો તેના વર્ણનની પુનરુક્તિ આવશ્યક નથી. પણ એ જ વિપત્તિઓએ મુંબાઈનાં મુદ્રાયંત્રોને અનેકધાં ઘેરેલાં હતાં, અને એ જ કારણને લીધે ઘણા કાળથી મુદ્રાયંત્રમાં મોકલેલો આ લેખ માત્ર આજ જ વાંચનારના હાથમાં મુકી શકાય છે. અનેક વિઘ્નોને અંતે આ કથાના આ ભાગે વાચકવૃન્દ પાસે રખાવેલું ધૈર્ય આ પરિણામને પામ્યું છે તો તે ધૈર્ય ગ્રન્થસંબંધમાં અન્ય ઈષ્ટ વિષયમાં પણ સફળ થાય એ ઇચ્છા સ્વાભાવિક છે.

સરસ્વતીચંદ્રના આ ત્રીજા ભાગ પછી માત્ર ચોથો જ ભાગ રચવાની યોજના છે. ઈશ્વરની ઇચ્છામાં આ લેખકના આયુષ્યની કલ્પના હશે તો ઉક્ત યોજના પાર પાડવાની માનુષી કલ્પના તો છે જ. એ કલ્પના સિદ્ધ થાવ અને સર્વ વાચકવૃન્દનાં આયુષ્ય એને સફલ કરો એવી ઈશ્વરને પ્રાર્થના છે. આ કથાની મૂળ પ્રોત્સાહિની અને લેખકની પ્રિય ભગિની અ૦ સૌ૦ સમર્થલક્ષ્મી ગ્રન્થની સમાપ્તિ સુધી આયુષ્યમતી રહી શકી નહી અને તત્સબંધમાં તેની વાસના તૃપ્ત ન કરાતાં બન્ધુભાવે અર્પેલી જોડેની નિવાપાંજલિ લખવાનો આ લેખકને ભાગ્યદૈન્યથી અત્ર પ્રસંગ આવેલો છે. પ્રિય વાંચનાર ! આવા પ્રસંગને અનુભવકાળે ત્હારે માટે ઉપર કરેલી પ્રાર્થનામાં જે આશીર્વાદનો ઉદ્ગાર અંતર્ગત છે તે તને ઈષ્ટ હો.

આ કથાના ચોથા ભાગમાં આ ગ્રન્થની પૂર્ણાહુતિ કરવા ધારી છે. પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં ગ્રન્થનો સાધારણ ઉદ્દેશ જણાવ્યો હતો. આ પ્રસ્તાવનામાં કંઈક વિશિષ્ટ ઉદ્દેશ જણવવા અવકાશ છે.

સંસ્કૃત અને ઈંગ્રેજી ભાષાઓના મહાન અને સમર્થ ગ્રન્થકારોની જ્વાલાઓ આ દેશની પ્રજાને અનેકધા લાભકારક છે. પણ એ જ્વાલાઓમાં આધુનિક પ્રજાનું સર્વ પ્રકારે તાદાત્મ્ય થવું સુલભ નથી. કારણ ઈંગ્રેજો અને દેશીઓ વચ્ચે વિચાર–આચારમાં જેમ અનેકધા ભેદ છે તેમ સંસ્કૃત વિદ્યાના અને આજના આપણા કાળ વચ્ચે પણ વિચાર- આચારમાં અનેકધા ભેદ છે, અને એવા ભેદમાંથી ગળી ક્‌હાડી , એ ભાષાઓના સત્વને કેવળ અનુકૂળ રસ ચાખવો એ સર્વથી બનતું