પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬

such noble and innocent souls as these, Gracious God ! ”

એક ગોસાંઈએ વિષ્ણુદાસને પ્રશ્ન પુછ્યો.

“ગુરુજી, જો એમ હોય તો નવીનચંદ્રજીને આપણો ભેખ, જટા, અને વિભૂતિ ધરાવો.”

આ સૂચનાથી સરસ્વતીચંદ્ર ભડક્યો. વિષ્ણુદાસ પ્રશ્નની મૂર્ખતા અને અતિથિનો ગભરાટ ઉભય સમજી ગયા, અને ઉભયનું નિરાકરણ થાય એવો માર્ગ ક્‌હાડ્યો. પ્રથમ તો તેમણે પુષ્કળ હાસ્ય કર્યું અને પછી બોલ્યા: “ વિહારપુરી, આ ગોસાંઈ હજી અનધિકારી છે એટલે કનિષ્ઠાધિકારીને જાણવાની વાત પણ જાણતો નથી. પણ એને જિજ્ઞાસા થઈ તો તૃપ્ત કરશું, એ છે તો અનધિકારી, પણ અધિકારીયો, સર્વ બોલો.”

વિષ્ણુદાસે પ્રથમ પદ ગાયું તેની સાથે ઉભા થઈ સર્વ અધિકારી બાવાઓ હાથ ઉંચા કરી ઉછળી ઉછળી બુમો પાડી કપાળે કરચલીયો ચ્હડાવી ગાવા લાગ્યા.

“જુલમ મત કરના રે બચ્ચા !
“અલખકા ખેલન સબ સચ્ચા. - જુલમ૦ ( ધ્રુવ )
“ધોલે રે પ્હેરો, ભગવે રે પ્હેરો,
“પ્હેરો સુરંગી જામા;
“અબ્ધુત હો, અરુ હો સંસારી,
“નર હો, અરુ હો રામા ! - જુલમ૦ ૧
“અલખ લખત હય સબ હી ખેલન,
“હોને દો, હય જૈસા !
“અલખ જગાવનકો અધિકારી ન
“વિભૂત ધરેગા કૈસા? -જુલમ૦ ૨ ”

ચોપાસ તાળીયો પડી રહી અને ચપટીયો વાગી રહી. જોગીયોએ ત્રણવાર કુદી કુદીને ગાયું અને એવે ઉચ્ચ સ્વરે ગાયું કે પર્વતમાં અને ગુફામાં તેનો પડઘો ઉઠી રહ્યો, અને અલખ ગાજી રહ્યો. એ ગર્જનાથી જ પ્રશ્ન પુછનાર ગરીબ ગાય જેવો થઈ શાંત પડ્યો અને ગુરુજીની ક્ષમા માગી.

“Look at this strong doctrine of toleration !”

સરસ્વતીચંદ્રનું મન મનમાં બોલ્યું.

સઉ સંપૂર્ણ થતાં વિષ્ણુદાસ પ્રશ્ન પુછનાર સામું જોઈ બોલ્યા: