પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮

દયા ઉત્પન્ન કરે છે, દયાથી પરમાર્થ થાય છે, અને પરમાર્થવૃત્તિ વ્યક્તિયોનો ભેદભાવ નષ્ટ કરી તેમના ઐકાત્મ્યનું ભાન કરાવે છે. शोभनं खमिति सुखं तद्यद्यपि शोभनं स्वात्तथापि स्वप्रतिमं शून्यमेव. માટે સુખ એટલે દૃષ્ટિને પ્રિય શૂન્ય આકાશ, અને દુઃખ એટલે અપ્રિય આકાશ. સુખ અને દુઃખ ઉભય શૂન્ય છે અને શૂન્ય વસ્તુઓ જુદી જુદી હતી નથી તો પ્રિય-અપ્રિય શી રીતે હોય ? એ તો આપણાં મન એ શૂન્ય પદાર્થને પ્રિય-અપ્રિય ગણે છે; માટે સુખદુઃખમાં ગ્રાહ્યતા હેયતા આવતી નથી અને તેમાંથી જે આવે તેનું હું આતિથેય કરું છું. પરંતુ દુઃખપર મ્હારો કાંઈ પક્ષપાત છે, કારણ દુઃખ મ્હારી બુદ્ધિને સતેજ કરે છે. મ્હેં દુઃખ શોધ્યું ન હત તો આપનાં દર્શન થાત નહી !”

આ વિચિત્ર ભાષણ પ્રવાહથી સર્વને આશ્ચર્ય લાગ્યું. સર્વ આશ્ચર્યસ્તબધ હતા તેમાં વિહારપુરી વચ્ચે બોલી ઉઠ્યો: [૧]“न रम्यं नारम्यं प्रकृतिगुणो वस्तु किमपि એ શ્લોકનું રહસ્ય આમાં આવી ગયું. વાહ ! નવીનચંદ્રજી, વાહ! પણ હું તમને એક પ્રશ્ન પુછું તેનું સમાધાન કરો. આ શ્લોક હું તમને જ ઉદ્દેશી કહું છું એમ સમજો –

“त्वया साधु समारम्भि नवे वयसि यत्तप: |
“हियते विषयै: प्रायो वर्षीयानपि मद्दश: ॥
“श्रेयसीं तव संप्राप्ता गुणसंपदमाकृति : ।
“सुलभा रम्यता लोके दुर्लभं हि गुणार्जनम् ॥
“शरदम्बुधरच्छायागत्वर्यो यौवनश्रिय: |
"आपातरम्या विषयां पर्यन्तपरितापिन: ॥[૨]

  1. *પ્રાચીન શ્લોક. – “પ્રકૃતિગુણથી કોઈ વસ્તુ રમ્ય નથી – અરમ્ય નથી.”
  2. કિરાતાર્જુનઃ ભાષાંતર –
    તમોએ યુવાવસ્થામાં જે તપનો આરંભ કર્યો છે તે શ્રેષ્ઠ કર્યું છે; કારણ કે મ્હારા સરખા અત્યંત વૃદ્ધ પુરુષો પણ ઘણું કરીને સંસારના વિષયોથી ઘસડાય છે. તમારી આકૃતિ ઘણી સુંદર છે અને ઉત્તમ ગુણરૂપી સંપત્તિને પ્રાપ્ત થઈ છે ! આ લોકમાં સુંદરતા ઘણી સુલભ છે, પરંતુ ગુણોનું સંપાદન કરવું એ ઘણું જ દુર્લભ છે, યુવાવસ્થાની શોભા શરદઋતુનાં વાદળાંએાની છાયા સરખી ચંચલ છે, અને વિષયો પ્રાપ્તિકાળે રમ્ય લાગે છે, પરંતુ તેનો જયારે પર્યંત આવે છે ત્યારે તે સર્વે દુ:ખરૂપ થઈ પડે છે.