પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮


“अन्तक: पर्यवस्थाता जन्मिन: संतत्तापद : |
"इति त्याज्ये भवे भव्यो मुक्तावुत्तिष्ठते जन : ǁ
"चित्तवानसि कल्याणी यत्ते मतिरुपस्थिता |
विरुद्ध: केवलं वेष: संदेहयति मे मन: ǁ[૧]

આ શ્લોકનો અર્થ તો સમજયા હશો.”

સરસ્વતીચંદ્ર સ્મિત કરી બોલ્યોઃ “વિહારપુરીજી, આપે એ શ્લોક કિરાતમાંથી કહ્યા. અર્જુનના વેષ વિશે સંદેહનું કારણ હતું તે સંદેહનું સમાધાન અર્જુને કર્યું હતું. મ્હારા વેષ વીશે કૌપીનના અભાવને લીધે આપને કાંઈ ન્યૂનતા લાગતી હોય તો મ્હારે તો એટલું ક્‌હેવાનું છે કે મ્હારામાં બીજી અનેક ન્યૂનતાઓ છે તેવી આ એક વિશેષ ગણજો, બાકી મ્હારે મન તો ધોળાં ને ભગવાં સર્વને સારુ સમદ્રષ્ટિ છે, આટલે આપને ઉત્તર આપું છું, અને બાકી હું હવે પ્રશ્ન પુછું છું. આપે કહેલા ત્યાગનું સાધન લઈ મુક્તિ સારું ઉત્થાન કરવાની વાત છે. પરંતુ જો આપના સંપ્રદાયમાં લખ-રૂપને પણ અલક વિભૂતિ ગણો છો તો ત્યાગ વિના મુક્તિ ન કેમ થાય તે સમજાવો; અને સર્વ લખરૂપનો આત્મા એક અલખ છે, રૂપ તો જડ જેવાં ઉત્થાનાદિ ક્રિયાનાં અનધિકારી છે, અને આત્મા એક પુરાણ છે, તો મુક્ત કોને થવાનું બાકી રહ્યું અને એ મુક્તિને વાસ્તે ઉત્થાન કરનાર એ એક આત્માથી બીજે કોણ છે, તે ક્યારે કોનાથી બંધાયો, અને કાલથી અનવચ્છિન્ન આત્માને ભૂતમાં બંધનકાલ અને ભાવિમાં મોક્ષકાલનો અવચ્છેદ કેવી રીતે અવસ્થિત છે એ સમજાવો.”


  1. *જે જન્મ લે છે તેની પાસે દુઃખ નિરંતર પથરાયલું ર્‌હે છે અને તેને માથે મૃત્યુ અવશ્ય ઉભેલું છે; એ વાત વિચારી સર્વથા ત્યાગ કરવાને લાયક જે આ સંસાર છે, તેમાં ભવ્ય પુરુષ મોક્ષ મેળવવા ઉત્થાન કરે છે.
    વાહ ! ઘણા જ ઉત્તમ તમારા વિચાર છે કે જે વિચારેાથી તમારી આવી કલ્યાણી મતિ ઉત્પન્ન થઈ છે; માત્ર તમારે જે (વૈરાગ્યથી ) વિરૂદ્ધ વેષ છે તે જ મ્હારા મનમાં સંદેહ ઉત્પન્ન કરે છે.
    (આ ગ્રંથમાં કેટલેક પ્રસંગે પૃષ્ઠો નીચે ચરણટીપ્પણમાં કાશીનગરીની પાઠશાળામાં આચાર્ય પદવી પામેલા વિદ્વાન શાસ્ત્રી જીવરાજ લલ્લુરામે સ્નેહભાવે આ તથા બીજાં ભાષાંતર આપેલાં છે; અને તે બીજા ભાષાંતરને અંતે એમના નામાક્ષર એમની અનુજ્ઞાથી મુકેલ છે.)