પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦

સર્વ બાવાઓ એક બીજાના સામું જોઈ રહ્યા અને ગુરુ વિના આ પ્રશ્નનો ઉત્તર કોઈ નહીં આપે એમ સિદ્ધ થયું. વિષ્ણુદાસ ઉત્તર દેવા આતુર બની, પ્રસન્ન ઉત્સાહથી બોલ્યા: “વાહ, શો ઉત્તમ પ્રશ્ન છે ? નવીનચંદ્ર ! આ પ્રશ્નોનો ઉત્તર જાણનાર અમારા ઉત્તમાધિકારીની પૂર્ણ દશાને પામે છે અને અમારા અલખ લખ-સિદ્ધાંતનું આના ઉત્તરમાં રહસ્ય છે. અધિકારીયો, ઉત્તમાધિકારીયો અત્રે ર્‌હો અને બાકીના સર્વ નિવૃત્ત થાવ.”

પળવારમાં તેમ થયું. ચાર પાંચ બાવાઓ, સ્વામી, અને સરસ્વતીચંદ્ર રહ્યા. વિષ્ણુદાસે એક બાવાને કહ્યું: “અલખપુરી, અલખ રહસ્યમાંથી સિદ્ધાંત મંત્ર બોલો.”

અલખપુરી બોલવા લાગ્યોઃ “જેવી આજ્ઞા:

[૧]“नाहं जाये म्रिये नैव न वद्धो न च मुक्तिभाक् ǁ
“मुक्तवाणगतिप्राय: संसारस्तु शरीरिणाम् ǁ१ǁ
“एकोऽहमद्वितियोऽहं स्वस्मिन्नेव विहारवान् ǁ
“विहृत्य मायारूपेण शान्तिरुपेऽपि लक्ष्यद्दक् ǁ२ǁ
“न विहारेषु नो शान्तौ द्वेष्टि वा रज्यत्तेऽपि वा ǁ
"तमिमं निर्गुणं प्राहुनिष्कर्माणं च तत्वत: ǁ३ǁ
"लक्ष्य धर्मान समाद्दत्य लक्ष्यात्मा लक्ष्यते स्वयम् ǁ
"अल्क्ष्यं चावगाहेत सोऽयमात्मप्रबोधवान् ǁ४ǁ

  1. *હું ઉત્પન્ન થતો નથી; હું મરતો નથી; બંધાએલ નથી; હું મુક્ત નથી. પ્રાણીઓનો આ સંસાર છોડેલા બાણની ગતિ સરખો છે. ૧.
    હું એક છું. અદ્વિતીય છું, પોતાને વીશે જ વિહારવાળો છું; માયારૂપથી વિહાર કરી શાંતિરૂપ જ્યારે થાઉં છું ત્યારે પણ લક્ષ્યદૃષ્ટિ રહું છું, અર્થાત્ ત્યારે પણ લક્ષ્યનો સાક્ષી રહું છું. ૨.
    વિહારમાં અથવા શાંતિમાં જેને રાગદ્વેષ નથી તે તત્વત્ત: નિર્ગુણ અને નિષ્ક્રિય ક્‌હેવાય છે. ૩.
    લક્ષ્યધર્મને આદર કરી જીવરૂપ લક્ષ્યાત્મા જાતે જ લક્ષે છે, અને અલક્ષ્યમાં પણ પ્રવેશ કરે છે, એવો લક્ષ્ય આત્મા જે હોય તેમાં આત્મપ્રબોધ થાય છે એટલે તેમાં આત્મા અલખ-પ્રબોધ પામે છે – જાગે છે. ૪.