પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬

સારું અમારી આ માથાકુટ; સંક્ષેપમાં લખને પૂજીયે છીયે, અલખને દશે દિશ જગાવીયે છીયે, અને તેને સારુ વાસનાઓના જાળમાં ગુંચવી રાખનાર, ગૃહસ્થધર્મરૂપ સંસારને વાસનાહીન સંસારનું રૂપ આપી ભસ્મ-સંજ્ઞાથી અમારે શરીરે ચોળી રાખીયે છીયે અને સંસારના જેવું જટાનું મ્હોટું ગુંચળું વાળી શિરપર રાખીયે છીયે એ પણ સંજ્ઞા જ છે. વ્યવહારમાં પણ કાંઈ મહાન્ કાર્ય સાધવામાં પણ કેટલોક ઉચ્છેદ આવશ્યક થાય છે તેમ અલખ જગાવવાને અમે કરીયે છીયે - પણ સંસારનો ઉચ્છેદ દુઃખનો ત્યાગ સાધવાને કરવો એ અમારો આશય નથી તે જણવવા આ સંજ્ઞાઓ રાખીયે છીયે, જગતનો નાશ કરી લક્ષ્યનાશ અમે કરતા નથી. અમે તો ગોવ્રજમાંના પરિવ્રાજક છીયે, ગોસ્વામી છીયે, અને શ્રી લખની વિભૂતિ ધરી, ગૃહાદિનો તે સાધનાર્થે ત્યાગ કરી, અજ્ઞાની લોકમાં અજ્ઞાન-નિશામાં જાગૃત રહી પોલીસવાળા પેઠે રોન ફરવા નીકળીયે છીયે, અને સર્વત્ર અલખ જગાવીયે છીયે; નવીનચંદ્ર, ત્હારા લખ જીવમાં અમે અલખ જગાવશું – બોલો અધિકારીયો - બોલો –

“વિર્ભૂત લગાવ્યો, અલખ જગાવ્યો,
“ખલક કીયો સબ ખારો વે !”

પાસે ઉભેલા જેગીયોએ આ શબ્દો ઝીલી લીધા, ગર્જના કરી ગાયા, અને ઉપવન બ્હાર મંદિરમાંના જ્યાં જે હતા ત્યાં તે સર્વ જોગીયોએ એ શબ્દો ઝીલી ગર્જના મચાવી અને ચારે પાસ અલખ ગાજી રહ્યો. ગર્જના શાંત થતાં વિષ્ણુદાસે સરસ્વતીચંદ્રને ખભે હાથ મુકી, તેના સામું જોઈ દૃષ્ટિકટાક્ષ કરી, પુછયું - “કેમ, બચ્ચા, ત્હારામાં અલખ જાગ્યો કે નહી ?”

ફરી એકવાર વિષ્ણુદાસ નિરાશ થયો. એણે યદુનંદનને નમવાનું કહ્યું હતું ત્યારે અતિથિ જડ જેવો દ્વાર વચ્ચે ઉભો રહ્યો હતો અને મસ્તક ઉંચું રાખ્યું હતું. અત્યારે નિરાકાર નિરંજન અલખ જગવવાનું કહ્યું તેના ઉત્તરમાં પણ આ વિચિત્ર અતિથિ સ્તબ્ધ રહ્યો. સરસ્વતીચંદ્ર હસ્યો અને બોલ્યોઃ “મહારાજ ! હું તો કોઈ સ્થાને પણ અલખને સુપ્ત દેખતો નથી તે આજ સુધી મ્હારામાં સુપ્ત હતો એવો સ્વીકાર કેમ કરું? અને એવો સ્વીકાર કર્યા વિના મ્હારામાં અલખ આજ જ જાગ્યો કેમ કહું ?”