પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

થયલા વ્યવસ્થારક્ષક લેાકાચાર અને પરદેશી સંસ્કારોથી ઉદય પામતા અને નવા યુગના ચમકારાથી ચમકાવનાર સ્વતંત્રતા વિકાસક પાશ્ચાત્ય આચાર: એ ઉભય આચારના વેગના - ગંગાયમુનાના જળના જેવા – નવીન ગુણોના ઉદ્ભાવક સંગત પ્રવાહોમાં:- એ સર્વ ભૂમિકાઓમાં વર્તમાન સંક્રાન્તિકાળની તીવ્ર અને ઉગ્ર સંક્રાન્તિથી થતી કષ્ટમયી દુ:સ્થિતિ સુદૃશ્ય છે. તેવી જ રીતે એ સર્વ ભૂમિકાઓમાં, આ આવા કાળનાં કષ્ટોના ભ્રામર વચ્ચે, વર્તમાનથી વ્યાકુળ અને ભવિષ્યથી ક્ષણમાં ઉદ્વિગ્ન અને ક્ષણમાં મોહિત ચિન્તાઓની ભીંડાભીંડના ડબાણ વચ્ચે, સર્વસંગ્રહી ઉદારતાનાં અને સારસંગ્રહી બુદ્ધિનાં તેમ જ ઉચ્ચગ્રાહી ઉદાત્તતાનાં ઉદય પામતાં થોડાં પરંતુ ચિરંજીવ કિરણ પણ દૃષ્ટિગોચર થતાં જણાય છે. એ સંક્રાન્તિનું વર્તમાન ચિત્ર અને એ કિરણોનું ભાવિ ચિત્ર એ ઉભય આ કથાના ચારે ભાગનો એક પ્રધાન ઉદ્દેશ છે.

સંક્રાતિકાળના આ ખગ્રાસે મોહમાં અને શોકમાં પાડેલાં જુનાં અને નવાં, તરુણ અને વૃદ્ધ, અશિક્ષિત અને શિક્ષિત, અજ્ઞ અને પ્રજ્ઞ, દીન અને સમર્થ, ભ્રષ્ટ અને શિષ્ટ, સર્વ ચિત્તોમાં મોક્ષકાળનાં આ ઉદયમાન કિરણ પ્રવેશ પામે અને અવિચારને સ્થાને વિચાર અને અવસાદને સ્થાને ઉત્સાહ પ્રવર્ત – એ આ કથાના સર્વ ભાગોના સર્વ ઉદ્દેશોનો કેંદ્રસ્થ ઉદ્દેશ છે. ચોથા ભાગમાં આલેખવા યોજેલા સરસ્વતીના મનોરાજ્યની પૂર્ણાહુતિ સાથે બે ઉદ્દેશોનો ઉદ્દેશ અંશતઃ પણ સિદ્ધ થાવ એવી આ લેખકની એષણા છે. किं बहुना ? मन एव मनुश्याणां कारणं बन्धमोक्षयो: એ શાસ્ત્રવચનનો અનુભવ જ સુખસાધક છે અને પ્રિય વાચકવર્ગની સર્વ શક્તિઓનાં અને વાસનાઓનાં પાત્ર તેમનાં મન જ છે, તો એ પાત્રોમાં એ ભુખ સિદ્ધ થાવ, અને इष्टं धर्मेण योजयेत એ આજ્ઞાને અનુસરી અને સર્વ વાચકોને ઉદ્દેશી લખેલી આ કથા છે તે કથારૂપનિમિત્તથી, ઈષ્ટ વાચકજન સુખધર્મથી યુક્ત થાવ, અને એ ઈષ્ટ, એ પાત્ર, અને એ ધર્મ, એ ત્રણનો શુભ યોગ પરિણામ પામતાં,

सर्वस्तरतु दुर्गाणि सर्वो भद्राणि पश्यंतु ।
सर्वः कामानवाप्नोतु सर्वः सर्वत्र नन्दतु ॥

મુમ્બાપુરી, વિક્રમાર્ક ૧૯૫૪.

ગેા. મા. ત્રિ.