પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩

दस् तदादाय न त्यक्त्वा पूर्णमेवावशिष्यते ॥ अत एव सुसंपूर्णो- ऽयमस्मल्लक्ष्यालक्ष्यसिद्धान्तो यत्रैव पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्ण- मुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥

છેલ્લા મંત્રનો અર્થ આત્મા પરાત્માના ઐક્યનો વાચક સમજાયલો હોવો છતાં આ બીજો અર્થ પણ બેસી ગયો. આમ આદિથી અંતસુધી અત્યંત રસથી આ વિવરણ સરસ્વતીચંદ્ર વાંચી ગયો. તેમાં કથેલાં ઉપનિષદો તથા પુરુષસૂક્ત એને કણ્ઠસ્થ હતાં, તેમનાં ઉપરનાં ભાષ્યાદિનો એણે અભ્યાસ કર્યો હતો. છતાં આમાં કાંઈ અપૂર્વતા લાગી. નિદ્રાભંગ કરી ભુખ્યો માણસ મિષ્ટાન્ન ભોજન કરી પાછો નિદ્રા પામે ને મધ્યકાળે ખાધેલું પુનર્નિદ્રાકાળે ભુલી જાય તેમ સરસ્વતીચંદ્રને થયું.

પુનર્નિદ્રા પામતાં પાછી પોતાની પાસે ઉશીકા આગળ પત્થર ઉપર કુમુદસુંદરી બેઠેલી લાગી અને એ સ્વપ્નની સુંદરીને કુસુમની મુખમુદ્રા હતી. નિદ્રામાં - સ્વપ્નામાં - આ સ્ત્રી પાસે સરસ્વતીચંદ્ર અલખરહસ્યના શ્લોક અને વિવરણ સમજાવવા લાગ્યો અને સ્ત્રી તે આનંદથી સાંભળવા, અને પ્રશ્નો પુછી સમાધાન કરાવવા, લાગી.

“સરસ્વતીચંદ્ર ! લખ કે અલખ ? રસ કે જ્ઞાન ?” સ્વપ્નસુંદરી આકાશમાં તરવા લાગી અને શ્રવણપુટમાં કથા કરવાને નિમિત્તે કપોલ સ્પર્શી ગાવા લાગી.

“મોહ્યો મોહ્યો વ્‍હાલો રસપ્યાલે રે ?
“જાગ્યો જાગ્યો ચતુર જ્ઞાનભાલે રે !
“લખ સુખદુઃખ જોવા તું આવ્યો રે !
“જ્ઞાની જોગીને મન ત્યાં તું ભાવ્યો રે !
“રહી અલખ તું અલખ જગાવે રે !
“જ્ઞાનગોઠડી વ્‍હાલીને ભાવે રે !
“લખ અંગ અલખ પ્રીત ર્‌હેતી રે !
“ મુકે મદનની માયાને વ્‍હેતી રે !

લક્ષ્ય પણ પૂર્ણ જ છે તે લક્ષ્યનું આ અલક્ષ્યમાંથી ગ્રહણ કરી – ત્યાગ ન કરી - તે લેતાં પૂર્ણ જ બાકી રહે છે. માટે કરીને જ અમારો આ લક્ષ્યાલક્ષ્યસિદ્ધાંત સુસંપૂર્ણ છે કે જેમાં જ, “આ પૂર્ણ છે.” “ એ પૂર્ણ છે.” “પૂર્ણમાંથી પૂર્ણ લેવાય છે.” અને “પૂર્ણમાંનું પૂર્ણ લેઈ લેતાં પૂર્ણ જ બાકી રહે છે.”