પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
“વ્રજ ગાઢ તમાલ ભરેલું રે !
“મેઘ છત્રમાં નીર તરેલું રે !
“ક્ષણ ક્ષણદા*[૧]તણા અંધારા રે !
“રાધા શોધે છે કૃષ્ણજી કાળા રે !
“રાધા શોધે, થાકે, ને હાંફે રે;
“વાગે વાંસળી આઘે આઘે રે
“વાંસલડીએ ઘેલી રાધાને કરી;
“મધુરી વાગે, પણ નવ દીસે ક્‌હાને જો ! વાંસ૦
“વાંસલડી ક્‌હે-શુણ ઓ રાધા બ્હાવરી,
“અલખ મુખ ચ્‍હડી કરું છું હું લાખ ગાન જો ! વાંસ૦
“અલખ પ્રીતડી જગાડું તુજ હઈડાવીશે,
“અલખ ક્‌હાનની વનમાં ન જડે વાટ જો ! વાંસ૦
“અલખની જોગણ! અલખ જોગ ધરી જાગજે,
“જગવ અલખ રતિ જમુનાજીને ઘાટ જો ! વાંસ૦
“વ્‍હાલા ! ભુલમાં અદ્વૈત વાત આપણી જો !
“જોગી જ્ઞાની જપે છે રસબાવની†[૨] જો ! વ્‍હાલા૦
“ માયા લક્ષ્ય ને પુરુષ તે અલક્ષ્ય છે જો !
“બેની ગાંઠથી સંસાર આ સમક્ષ છે જો ! વ્‍હાલા૦
“બેના સ્નેહનું અદ્વૈત રસપૂરમાં જો,
“માયા વળગી રહી જ બ્રહ્મઉરમાં જો. વ્‍હાલા૦
“વ્‍હાલા ! પ્રીત તણી રીત એવી જાણજે જો,
“અલખ જ્ઞાની ! લખ રસ માણજે જો ! વ્‍હાલા૦”

વળી સરસ્વતીચંદ્ર જાગ્યો ને વિચારવા લાગ્યો: “ અહો, આ સ્વપ્ન કેવું ! આ સ્વપ્નમાંના સંસારનો કર્તા કોણ ? એનું પુણ્યપાપ કોને ? શું મને ? – ના ! – કેમ નહી ! – તો આ જાગૃત સંસાર પણ સ્વપ્નથી જુદો કેમ ? કર્તા કોણ ? ભોક્તા કોણ ?–આ મહાસ્વપ્ન શું ? કુમુદસુંદરી ! ત્‍હારો ત્યાગ કોણે કર્યો ? ત્યાગ ક્યારે થયો ? ત્યાગ થયો ? – મ્‍હારું આ ૫શ્ચાત્તાપરૂપ દુઃખ શાથી ? શાને વાસ્તે ?”

ફરી તેની અાંખ મીંચાઈ. અત્યારસુધી અાંખને સ્વપન થતું હતું તેને સ્થળે એકલા કાનને જ સ્વપ્ન થવા લાગ્યું. તેનો આત્મા સર્વવ્યાપી


  1. * ક્ષણદા=ક્ષણ આપનારી, અવકાશ આપનારી, રાત્રિ.
  2. † બાવની=બાવન અક્ષરનું જાળ, ભાષા.