પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૯

યુદ્ધપ્રસંગે તેમને ગુપ્ત અથવા ઉઘાડો આશ્રય આપી, તેમના બળથી પોતે સુરક્ષિત અને સુગુપ્ત રહેલા આ રાજાઓ પોતાના દંભ કરતાં પોતાની કુશળતાનું મૂલ્ય વધારે ગણતા; અને તેથી પરદેશીયોનો ડોળો પોતાના ઉપર પડે નહી, અને પડે તો પોતાને જીતવા આવતાં અનેક સંકટો દેખે અને તેને પાર પડતાં ખરચ વગેરેનો જમે ઉધાર કરી જાતે જ લોભાતાં ડરે, ઇત્યાદિ યુક્તિયોથી રત્નનગરીનો મધ્યકાળનો ઇતિહાસ ભરાયો હતો. દ્રવ્યના લોભી મરાઠાઓના લોભને તૃપ્ત કરવો એ તો આ રસાળ રાજ્યને કઠણ હતું જ નહીં. ઈંગ્રેજી કંપનીનું રાજ્ય પેશવાઈને ઠેકાણે પથરાયું ત્યારથી આ રાજ્યનો ખરો પરાભવ આરંભાયો. પેશવાઈ ગઈ તે વેળા ત્યાં મલ્લરાજનો પિતા નાગરાજ રાજ્ય કરતો હતો અને તે જીવ્યો ત્યાં સુધી ઈંગ્રેજોની સાથે પોતાની ન્હાની સરખી સેના લઈ ઘડી ઘડી યુદ્ધમાં ચ્હડતો અને યુદ્ધકાળે પોતાના સફળ સૈનાપત્યથી તેમ ઇતરકાળે પ્રવીણ સામ-વ્યવહારથી ઈંગ્રેજ સેનાપતિઓમાં પ્રીતિ અને પ્રતિષ્ઠા પામ્યો હતો. કર્નલ બ્રેવ નામના સેનાપતિ સાથે એનો છેલામાં છેલો વિગ્રહ (war) થયો. પેશવાઓના વિશ્વાસરાવ નામના સરદારને ઘણીવાર ક્‌હાડી મુક્યા પછી તેને ઠેકાણે કંપની સરકારની આણ વર્તાવવા પેશવાને નામે આ ઈંગ્રેજ સરદાર આવવા લાગ્યો. નાગરાજ અને કર્નલ બ્રેવ વચ્ચેનો વિગ્રહ છ માસ ચાલ્યો. સુન્દરગિરિ ઉપર પોતાના મુખ્ય કીલા હતા ત્યાં એણે રત્નનગરીની ધનવાન વસ્તીને મોકલી દીધી. પોતાનું મુખ્ય સ્થાન (Head quarters) પર્વત ઉપર રાખી, ઘડીકમાં પર્વતની પૂર્વ ખીણેમાંથી, ઘડીકમાં ઉત્તરમાંથી, અને ઘડીકમાં દક્ષિણમાંથી એ નીકળી આવતો. બે ત્રણવાર ઈંગ્રેજ સેનાની તોપોમાં એણે ખીલા માર્યા અને બે તોપો અણીશુદ્ધ પકડી શત્રુના સામી વાપરવા લાગ્યો. ઉઘાડા યુદ્ધમાં ચાલતા સુધી પડતો નહીં, પણ શત્રુ તોપો મુકી આઘા પાછા આવ્યા હોય ત્યારે તેમની સાથે લ્હડવાનું ચુકતો નહી. ઈંગ્રેજ સેનાના ભોજનપદાર્થ પૂર્વમાંથી આવતાં ત્યાં જઈ પડાવી લેવાની તેણે એક વખત સફળ છાતી ચલાવી. અંતે બ્રેવ સાહેબે એને શોધી ક્‌હાડી યુદ્ધ કરવાની જરુર પાડવાનો પ્રયત્ન કર્યો, અને નાગરાજની સેના લેઈ એને મ્હોટો અને પ્રિય પુત્ર હસ્તિદંત સુન્દરગિરિ ઉપર ચ્હડવાં જતો હતો તેની પર્વતની વચ્ચેની જગા બ્રેવની સેનાએ રોકી. હસ્તિદંતની પાસે માણસ થાકેલાં અને થોડાં હતાં; છતાં યુદ્ધ શીવાય છુટકો ન રહ્યો. વીરહાક મારી એણે ઈંગ્રેજ સેના ઉપર હુમલો કર્યો. નાગરાજને આ વાતની ખબર પડી અને ખબર પડતાં પર્વત ઉપરથી