પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦

બાકીની સર્વ સેના લઈ સુભદ્રાની એક બાજુએથી ઈંગ્રેજી સેનાની પુઠ આગળ અચીન્ત્યો આવી ઉભો, અને એ સેના પાછી ફરે તે પ્હેલાં પાછળથી હુમલો કર્યો. બ્રેવનાં માણસો આ કાળે હસ્તિદંતની સેનાને કાપી નાંખી પરવાર્યા હતાં અને આઠ દશ માણસો તથા હસ્તિદંત એટલાં જ જીવતાં રહેલાં હતાં તેમના ઉપર ઈંગ્રેજી સેના ત્રુટી પડવા ઉન્મુખ થઈ તેવામાં તે આ પાછળની વીરહાકથી ચમકી, અને દ્વૈધીભાવ પામી, અને તે દ્વૈધીભાવ પામતાં તેનું શૌર્ય ન્યૂન થવા લાગ્યું. કર્નલે આ જોયું, અને તે દ્વૈધીભાવ અટકાવવા એકદમ એક બાજુથી ત્રુટી પડી, બીજાં માણસ પડતાં મુકી, હસ્તિદંત ઉપર નીશાન તાકવા લાગ્યો. બીજી પાસથી નાગરાજે તે દીઠું, અને તેનો પ્રતીકાર કરે તે પ્હેલાં તે કર્નલની બન્ધુકમાંથી છુટેલી ગોળી ધડાક લઈને છુટી અને હસ્તિદંતની છાતીમાં વાગી. રાજપુત્ર પડ્યો, પણ કર્નલ નિરાશ થયો. પુત્રના મરણથી નિરાશ અને નિસ્તેજ ન થતાં શૂર નાગરાજ મહાબલ કરી કુદ્યો. પુત્રને ધન્યવાદ આપતો હોય એમ પ્રૌઢી વીરહાક મારી ઉછળ્યો તે એક છલંગે પાંચ હાથ લાંબો અને બે હાથ ઉંચો એક ખડક ઓળંગ્યો અને ભીંડમાં બીજે અવકાશ ન મળતાં મરેલા પુત્રનું શરીર જોઈ મરેલા પુત્રની છાતી ઉપર પગ મુકી, કુદ્યો અને બ્રેવના ઉપનાયકને કાપી નાંખ્યો. એનાં માણસો પણ ઊછળ્યાં અને તુમુલ યુદ્ધ મચ્યું. એટલામાં રાત્રિ પડી, સેનાઓ પાછી ગઈ અને રાત્રિએ યુદ્ધમાં અંતરાય નાંખ્યો. કોઈ હાર્યું નહી, જીત્યું નહીં. પણ પોતપોતાની સેના બે સેનાપતિઓએ તપાસી. નાગરાજની સેના નાશ પામી; બ્રેવની સેના પણ નાશ પામી. પરંતુ સરકારી સેનામાં નવો ઉમેરો પાછળથી તૈયાર થઈ આવે છે એવી બાતમી નાગરાજને પણ મળી, ત્યારે એની સેના સર્વ ખપી ગઈ માલમ પડી, છતાં એણે હીમ્મત ખોઈ નહી. રાત્રિએ માણસ મોકલી કીલ્લાઓનાં દ્રાર વસાવ્યાં અને યુદ્ધ સારુ તેમાંની સેનાઓને સાવધાન કરી. પ્રત્યેક કીલ્લામાંથી થોડાં થોડાં માણસ રાતોરાત મંગાવી, બીજા વૃદ્ધ અને જુવાન રજપુતોને શસ્ત્ર બંધાવી, એ રાતમાં – પ્રાતઃકાળ થતાં પ્હેલાં, – નાગરાજ નવી સેના લઈ ગાજ્યો અને એનાં યુદ્ધવાદિત્રો જનરલના કાનમાં શબ્દ પ્હોચાડવા લાગ્યાં.

કર્નલ પોતાનું બળ સમજતો હતો અને હવે નાગરાજ ટકી શકનાર નથી એ પણ જાણતો હતો. છતાં એના શૌર્યથી, એના ધૈર્યથી, એની સમયસૂચક પ્રતિભાથી, અને એની પ્રવીણતાથી ઈંગ્રેજ નાયક