પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૧

અત્યંત પ્રસન્ન થયો અને આવા શત્રુને નષ્ટ કરવા કરતાં સરકારનો મિત્ર કરી તેને પ્રતિષ્ઠિત રાખવામાં વધારે લાભ અને શૌર્ય માનવા લાગ્યો. ક્ષાત્ર ઉદ્રેક નમ્યું નહી આપે સમજી પોતે જ નાગરાજ પાસે દૂત મોકલ્યો અને તેની સાથે પત્ર મોકલ્યોઃ–

“પ્રિય શૂર મિત્ર – જો આપણે હજી શત્રુપણે વર્તીશું તો એક પ્રાચીન રાજ્યનો અને તેના પ્રતાપી શૂર રાજાનો નાશ થશે તે શૂર બ્રેવને નહીં ગમે. ઈચ્છા હોય તો હું મિત્ર થવા અને તમારી ભલામણ સરકારને કરવા તૈયાર છું. હું સરકાર નથી, પણ સરકાર મ્હારા જેવા સેવકોપર વિશ્વાસ રાખે છે. એ વિશ્વાસનો ઉપયોગ કરી યુદ્ધને ઠેકાણે શાંતિ અને શત્રુતાને ઠેકાણે મિત્રતા કરવી હોય તો એકદમ ઉત્તર ક્‌હાવજો. પછી યુદ્ધ ઉપર જ દુરાસંગ હોય તો કંપની સરકારની સેના સજજ છે. – તમારો મિત્ર બ્રેવ.”

“તા. ક. – તમે શરણ થાવ એ હું માગતો નથી. તમારા શસ્ત્રનો તેમ તમારા શબ્દનો મને પૂર્ણ વિશ્વાસ છે. – બ્રેવ.”

નાગરાજે ઉત્તર લખાવ્યોઃ “કંપની સરકારની સેનાઓ નદીની રેલ જેવી છે તે અમને ખબર ન હોય તો અમે આંધળા ક્‌હેવાઈએ. પણ અમે આગના તનખા જેવા છઈએ. અમને જે અડકે તે દાઝે એટલો અમમાં તાપ – તે ભુંડો છે. અમારામાં તેજ છે તે જોવાનું છે. હવે રેલથી તનખો હોલવશો તો તેજ ને તાપ બે ભેળાં જશે. તમારે અમારું તેજ જાળવવું હશે ને તાપ હોલવવો હશે તો બનવાનું નથી ને લ્હડાઈ કર્યા વગર ચાલવાનું નથી. પણ અમમાં તાપ રાખશો તો તેજ જવાનું નથી ને જશે તો કોઈ દી પાછું આવશે. માટે અમારો તાપ ર્‌હેતો હશે અને રેલને ઠેકાણે રેલને કોરામાં તનખો ર્‌હે એવી વાત કરશો તો થશે. તેમ ન કરો તો રાજા રામ ને રાણો રાવણ ગયા તેમ કોઈ હારીને અને કોઈ જીતીને પણ તમે અમે ને બધી પૃથ્વી સઉ આખર જઈશું તેમાં કાંઈ ડર નથી. એ તો જન્મ્યું તે જાય ને લ્હડે તે ઘવાય. એટલું મનમાં રાખી કરજો. પછી સરકારને પુછો કે ન પુછો. ઉલટું કરશો તો પુછયું નકામું ને સુલટું પુછશો તો વગર પુછે છે તે છે જ. તમારા માંહોમાંહેના કાયદાથી અમે બ્હારના માણસ ભોમીયા નથી તેમ બંધાતા નથી. દાદો સુરજ તપશે ને તેના દીકરા હમો કોઈ જીવતા હઈશું ત્યાંસુધી રત્નનગરીની ધરતીનો કડકો પરહાથે જવાનો નથી ને હમારું માથું નમવાનું