પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૩

અનુવર્તન પણ આવશ્યક હતું તેથી પોતાની ઈચ્છાવિરુદ્ધ આ સરદારને વર્તવું પડ્યું, અને એણે નાગરાજનાં માણસોને ઉત્તર દીધો કે, “સરકારને તમારી ધરતી જોઈતી નથી પણ પેશવા સરકારનો અધિકાર કંપની સરકારને મળ્યો છે અને તે તમે સ્વીકારો.” આના ઉત્તરમાં નાગરાજના પ્રધાને કહ્યું કે “અમે પેશવાને કદી નમ્યા નથી અને મરાઠાઓને આ હદ સુધી કદી આવવા દીધા નથી; અમે પેશવાને ઓળખતા નથી; પણ કંપની સરકાર સાથે મિત્રતા કરવા તૈયાર છીયે.”

આ વચન સત્ય હતું, પણ બ્રેવને તો પેશવાઈના અધિકારથી જ વર્તવાનું હતું અને પેશવાએ જે રીતના કરાર કરેલા હતા તે જ કરારો તાજા કરવાનો અધિકાર હતો; માટે આ નવા પ્રસંગને વાસ્તે નવો અધિકાર મુંબાઈથી મેળવવો પડે એમ હતું. આ ગુંચવારાને લીધે એક આખો દિવસ નકામો ગયો. બીજે દિવસે પ્રાતઃકાળે મલ્લરાજ ચારે પાસના રાજાઓની સેનાએ એકઠી કરી પિતાને મળ્યો, અને તે સર્વ રાજાઓના રાજપુરુષ એકઠા મળી બ્રેવ પાસે ગયા. આ સર્વ મંડળ એકઠું થયું જોઈ કર્નલ બ્રેવનો મૂળ વિચાર દૃઢ થયો, અને ઉપરી અધિકારીયોનો અભિપ્રાય મેળવવા સારુ અવહાર[૧] સંયોજયો. આ અવહાર થતાં તેણે ઉપરીઓને પત્ર લખ્યો કે “આ રજપૂતો શૂર છે, અભિજાત[૨] છે, સત્યવચનના આસંગી છે, મૂર્ખ નથી, દુષ્ટ નથી; નીચ નથી. એ મહારાજાઓ જો કંપનીના મિત્ર થાય તો આ ભાગમાં એમની મિત્રતા હાલ ને આગળ જતાં ઘણી ઉપયોગી થશે. પરસ્પરને યુદ્ધકાલે આશ્રય આપવો, એક બીજા સાથે અથવા અન્ય રાજાઓ સાથે તકરાર થતાં કંપનીદ્વારા ન્યાય લેવો, કંપની સાથે તકરાર થતાં પંચ નીમવા અને પંચનો સરપંચ ઈંગ્રેજ ર્‌હે, ઇત્યાદિ નિર્દોષ દેખાતી સરતોના કરારવાળો સંધિ રાજાઓએ ઈંગ્રેજ સાથે કર્યો. દ્રવ્ય આપવું લેવું નથી, આપણું ધરતી અખંડિત છે, આપણું સ્વાતંત્ર્ય યથાસ્થિત છે, ઇત્યાદિ કલ્પના કરી, આ સંધિ રાજાઓએ આનંદથી સ્વીકાર્યો. માત્ર યુવાન મલ્લરાજને તે ન ગમ્યો. પરંતુ તે ન ગમવાનું કારણ સ્પષ્ટ રીતે સમજાવવાની તેનામાં શક્તિ હતી નહી, અને પિતાની પાસે બોલવા જતો ત્યાં જ કંઈક કારણથી આચકો ખાતો. અંતે સંધિ સંપૂર્ણ થયો અને તે કાળે સર્વ મંડળ ઉત્સાહમાં આવ્યું ત્યારે મલ્લરાજ ઉંડા ખેદમાં પડ્યો અને મનમાં નિ:શ્વાસ મુકી ક્‌હેવા લાગ્યો કે "આજથી આ રાજ્યને સજડ બેડી જડાઈ અને રજપુતાઈ રંડાઈ; હવે


  1. થોડા કાળની યુદ્ધવિશ્રાંતિ, Truce
  2. ખાનદાન; ઉંચા કુળના.