પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૫

છે, ને વાણીયા જેવાના હાથમાં આખો દેશ જશે એટલે એકલહત્થા વાણીયા જેવું ભૂંડું કોઈ નથી.”

“મહારાજ, એમ ગણો પણ ઉપાય શો છે ? તમે ક્ષત્રિયો એકઠા થઈ જાવ એમ હો તો પરદેશીને ક્‌હાડવા લ્હડનારાઓને બંડખોર ક્‌હેવા વારો કેમ આવે ? કંઈક આપણામાં જ અસાધ્ય રોગ હોય નહીં તો જમનાં પગલાં આમ સંભળાય નહી.”

“શું ત્હારા મનમાં એમ છે કે અમે ક્ષત્રિયો જ નકામા થઈ ગયા છીયે ?” – મલ્લરાજની આંખો રાતી થઈ ગઈ અને બ્રાહ્મણને ખભે હાથ મુક્યો.

બ્રાહ્મણ હસી પડ્યો, “મહારાજ આપના જેવા સર્વ ક્ષત્રિયો હોય તો તો નકામા નહી. પણ સો ભુંડા કૌરવમાં એક રુડા ભીષ્મપિતામહને કોણ પુછે? હજી તો કંઈક ક્‌હેવા જેટલા આપ છો ને કોઈ બીજા હશે. પણ ઈંગ્રેજ હારે કે જીતે ત્હોયે જતે દિવસે શું થશે તે જોશો.”

"શું થશે?”

“મહારાજ, જોતા નથી કે કેટલીક રાણીયો વાણીયા બ્રાહ્મણને રાજાને ઠેકાણે ગણે છે અને કેટલીક રાણીયોએ ઘાંચીમોચીને પોતાના કુંવર બનાવી દીધા છે ? આ લુટારુ ધાડપાડુ બંડખોરોમાંથી હવે કોઈ ચક્રવર્તી મહારાજા થશે – પછી મુસલમાન હો કે સ્વામીદ્રોહી મરાઠી બ્રાહ્મણ પેશવા હો ! પણ વર્ણસંકર રાજાઓની ઉતરણને માથે જુગતો આવે એવો મેર મુકાશે ને તે જોઈને આપના જેવા શુદ્ધ એકરંગી ક્ષત્રિયો ખુણે ખોચલે સંતાઈ જઈ બળી મરવાના.”

“ને ઈંગ્રેજ જીતશે તો શું થશે ?”

“મૂર્ખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન હજાર ગણો સારો. મહારાજ, મરીચિ રાક્ષસને દુષ્ટ રાવણે કહ્યું કે રામને હાથે મરવા તું મૃગનું રૂપ નહીં ધરે તો હું તને મારીશ, ત્યારે મરીચિયે વિચાર્યું કે બેમાંથી એક મારશે એ સિદ્ધ હોય ત્યારે તો રામને હાથે મરવું સારું –

”रामादपि हो मर्त्तव्यं मर्त्तव्यं रावणादपि |
“रामरावणयोर्मध्ये वरं रामो न रावणः ।।”

મલ્લરાજ તરવાર લેઈ ઉઠ્યો, બીજા ખંડમાં જતો રહ્યો, અધઘડી પછી પાછો આવ્યો અને મુખ ઉપર દૃઢતા તથા ધૈર્ય ધારી બોલ્યોઃ