પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬

" જરાશંકર, તરત ઉઠ. બ્રેવસાહેબને મ્‍હારા નામનો પત્ર લખી લાવ કે મલ્લરાજ કંપનીસરકારને આશ્રય આપવા પોતાની સેનાસાથે સજ્જ છે."

“મહારાજ, મ્‍હારી બુદ્ધિ બ્રાહ્મણભાઈની – અંતે મ્‍હારા કહ્યા પ્રમાણે કર્યું કહી મ્‍હારો દોષ ન ક્‌હાડશો. જાતબુદ્ધિથી વિચારી જોજો.”

મલ્લરાજે હાસ્ય કર્યું: “મ્‍હારી નોકરી કરે તેણે પોતાના ગુણદોષની વાત સાંભળવા તત્પર ર્‌હેવું જોઈએ.”

“તેની ના નથી. પણ મ્‍હારી બુદ્ધિના દોષનું ફળ આપને મળવાનું તેની આપને સૂચના આપવી એ મ્‍હારો ધર્મ છે.”

“હવે બરોબર. તો જો. જે ઠરાવ હું કરું છું તેમાં દેાષ ઘણા છે. ઈંગ્રેજી વાણીયા રજપુતોને વાણીયા કરી દેશે ને વાણીયાવિદ્યા રજપુતોને આવડવાની નહીં એટલે આખરે હારવાનું. પણ આ આપણા ભાઈઓ જીત્યા તો વાંદરાના હાથમાં ન્‍હાનું છોકરું જાય તે છોકરાના જેવી સઉ નબળાઓની દશા થવાની.”

“મહારાજ, હું તો એટલું સમજું કે ઈંગ્રેજો ઉંદરની પેઠે આપણને નિદ્રામાં રાખી ફુંકી ફુંકીને કરડશે ને આપણા લોક રીંછની પેઠે ઝેરી લાળ ચોપડતા ચોપડતા ઠેકાણે ઠેકાણે બચકાં ભરશે ને રીબાવી રીબાવીને મારશે.”

“ત્યારે આપણે કાંઈ ઠગાતા નથી. બેના દોષ જોતાં ઓછા દોષ લાગે તેની સાથે કામ પાડતાં કાંઈ બાધ નથી. ઈંગ્રેજને સાકર જાણી ખાતા નથી, પણ મરચાં કરતાં મરી સારાં ગણી ચાવીયે છીયે.”

જરાશંકર મલ્લરાજની આજ્ઞા પાળવા ઉઠ્યો અને જતાં જતાં મનમાં બોલ્યો:

“આહા ! શું કાળબળ છે કે રજપુતોની ભૂમિમાં ઈંગ્રેજોને રાજાના રાજા થવાનો પ્રસંગ આવે છે? પણ નક્કી મ્‍હેં મ્‍હારા રાજાને યોગ્ય અભિપ્રાય જ દર્શાવ્યો છે ને આ પ્રસંગે રાજનીતિને અનુસરીને જ માર્ગ લીધો છે. કારણ પ્રથમ તો

“ असहायः समर्थोपि तेजस्वी किं करिष्यति ।
निर्वाते ज्वलितो वह्निः स्वयमेव प्रशाम्यति ॥"[૧]

" સદ્દગુણી શુધ્ધ મલ્લરાજ પણ આમ અસહાય જ છે. આ


  1. ૧. તેજસ્વી સમર્થ હોય તો પણ જો સહાય વગરનો હોય તો શું કરી શકે? પવન વિનાના દેશમાં બળતો અગ્નિ પોતાની મેળે જ શાંત થાય છે.-પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.