પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪

બ્રાહ્મણોના અને ક્ષત્રિયોના ધર્મ ઘણી રીતે મળતા છે. એકનો એક આત્મા એક ખોળીયું બદલી બીજા ખોળીયામાં પેસે એવો ધર્મ બ્રાહ્મણો સમજાવે છે તેમ અમારો વંશ એ અમારો આત્મા અને દેશ એ ખોળીયું. તે એક ખોળીયાનું આયુષ્ય પૂર્ણ થાય અને એ ખોળીયું પડે એટલે બીજું ખોળવું અને ખોળીયાનું આયુષ્ય બને એટલું વધારવું.”

“રાજાઓનો સંબંધ માણસો સાથે પણ નથી. શાસ્ત્રી મહારાજ શ્લોક ક્‌હે છે કે રાજા કોઈના મિત્ર નથી. જરાશંકર આ ઉપરથી મશ્કરી કરે છે કે રાજાઓનો વિશ્વાસ ન કરવો. ખરી વાત છે. માબાપને મન દીકરો ગાંડો મૂર્ખ કે લુચ્ચો હોય તોપણ એ લોહીનો સંબંધ છુટતો નથી ને દીકરાના દોષ વસતા નથી. દીકરાઓ આથી માબાપનો વિશ્વાસ કરે તે બરોબર, પણ રાજા તો ગુણના સગા અને દોષના શત્રુ, તેને મન પાટવીકુમાર પણ એક લોહીનો નથી તો સેવક – ક્યાંથી હોય? માણસમાત્રે એમ ગણવું કે રાજા મ્હારા ગુણનો સગો છે – મ્હારી જાતનો સગો નથી. તેના ગુણ વિશ્વાસયોગ્ય હશે ત્યાં સુધી તેની ને રાજાની વચ્ચે વિશ્વાસ; બીજી રીતે વિશ્વાસ નહી. જે રાજા રાણીને કે કુમારને કે પ્રધાનને સગાં માને છે તે રાજા નથી. માણસમાત્રમાં ગુણ કરમાય એટલે વાસના વગરના કરમાયલાં ફુલ પેઠે તે માણસને રાજાએ રાજકાર્યમાંથી દૂર કરવો અને દોષ હોય તો શિક્ષા સુદ્ધાંત કરવી.”

“જયારે આમ છે તો આ ગર્ભચોર બંડખોરો સાથે કે આખા હીંદુસ્થાન સાથે મલ્લરાજને સંબંધ નથી : રાજા રાજકાર્યનો સગો છે. કંપની સરકારને દેશ જીતતાં આવડ્યો, દેશ રાખતાં આવડ્યો, સામ દામ ભેદ અને દંડ આવડ્યાં, વેરને ઠેકાણે વેર અને મિત્રતાને ઠેકાણે મિત્રતા આવડી, પઈસા કમાતાં આવડ્યા, ખરચતાં આવડ્યા, ખુશામત આવડી, મુસલમાની આવડી, વાણીયાવિદ્યા આવડી, બ્રાહ્મણપણું આવડ્યું, યુદ્ધ-કળા આવડી, યુદ્ધબળ અજમાવતાં આવડ્યું, રાજનીતિ આવડી, રક્ષણ કરતાં આવડ્યું અને મુંબાઈ જેવા ગામડાને વિશાળ નગરી કરતાં આવડી. એમના પાંચ હજાર માણસો – બળથી નહી પણ કળથી – પંદર હજારને હઠાવે છે. એમને ઉદારતા આવડે છે, કંજુસાઈ આવડે છે, લુચ્ચાઈ આવડે છે, લુટતાં આવડે છે, સ્વાર્થ સમજે છે, ને પરમાર્થ પણ સમજે છે. એ જીતવાના નક્કી, એમની સાથે