પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૫


સંબંધ બાંધવામાં ચતુરાઈ છે અને રજપુતાઈ છે. એ નહી જીતે તો રત્નનગરી જાળવવા મહારે લ્હડવું પડે અને લ્હડતા ખોવી પડે – એમાં શી મ્હોટી વાત છે? જીતશે તો એ મહાગુણવાળાના સંબંધથી મ્હારા વંશજોમાં ગુણ આવશે, મ્હારી રત્નનગરીમાં મનુષ્યરત્ન પાકશે. સારું થશે તો એ મહાફળ છે; ખોટું થશે તો આ શરીરને રણની રેતીમાં પડવું એ મહાફળ છે. એમની સાથે સંબંધ બાંધી બળવાન પાડોશીના નબળા પાડોશીની દશા થશે તો કંપની સરકાર જેવા રાજયોદ્ધાઓ સાથે મ્હારા પુત્રો અને પ્રધાનો બુદ્ધિબળની યુદ્ધકળા અજમાવશે, અજમાવતાં ઘડાશે અને વધશે, અને એ માનસિક રણજંગના જંગી થશે. ફુલ સર્વ લોકને માથે ચ્હડે કે વનની ધુળમાં પડે[૧] તેમ કરવાનો લોભ મ્હારાં બાળકોને થાય તો એ પણ રાજાઓને ખેલ છે !”



પ્રકરણ ૮.

મલ્લરાજ અને તેનાં રત્ન.

મલ્લરાજની ચીઠ્ઠી બ્રેવ ઉપર ગઈ તે દિવસ એ રજપૂત રાજાએ અનેક વિચારો અને ચિંતાઓમાં ગાળ્યો. પરદેશીઓને ક્‌હાડી એ મલેચ્છોના હાથમાંથી આખો દેશ દેશીઓને હાથે પાછો આવવાનો સમય આવે તેવે કાળે મલેચ્છો સાથે સંબંધ બાંધ્યો પ્રસિદ્ધ થશે તેની સાથે નાતજાતમાં, રજવાડાઓમાં, અને દેશવિદેશમાં અપકીર્તિ થવાની એ નક્કી. ક્ષત્રિય રાજાને એ અપકીર્તિના વિચારથી ત્રાસ પડ્યો પણ કાર્યસિદ્ધિનો વિચાર થતાં, ભવિષ્યનો વિચાર પાછો ઉદય પામતાં, આ ત્રાસ શાંત થયો. આ ત્રાસ અને આ શાંતિ મલ્લરાજને વારાફરતી થકવવા લાગ્યાં.

ચીઠ્ઠી બપોરે મોકલી હશે. છેક સંધ્યાકાળ વીતતાં એનો એક દૂત આવ્યો અને દૂતની સાથે રાજાનો પ્રિય ભાયાત સામંત આવ્યો. આ કાળે રાજા પોતાના વિશાળ ખંડમાં ગાદીતકીયે બેઠો હતો અને એક હુકાની મ્હોટી નળીમાંથી ઘડી ઘડી ધૂમ્રપાન કરતો હતો. એને કપાળે પરસેવો પુષ્કળ વળ્યો હતો તેનું એને ભાન ન હતું. એક


  1. ૧.નીતિશતક ઉપરથી.