પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬

હાથમાં હુકાની નળી તો બીજામાં તરવારની મુઠ, અને એકમાં મુઠ તો બીજામાં નળી, એમ વારંવાર હાથની અદલાબદલી થતી હતી. દૂત અને સામંત સામા આવી બેઠા પણ મલ્લરાજે તેમને દીઠા નહી અથવા દીઠા છતાં તેમના સામું જોયું નહી. થોડીક વાર વાટ જોઈ સામંત બોલી ઉઠ્યો.

“મહારાજ, હવે જે વિચાર કરવો હોય તે કરો. કાનપુર આગળ જંગ મચ્યો છે. ફતેહપુરના જડજ સાહેબ ઉપર ફોજદારી ચલાવી તેના શરીરના કડકે કડકા કરી લોકમાં વેર્યા, કંપની સરકારનું રાજ્ય ગયું !”

મલ્લરાજે ઓઠ પીસ્યાઃ “જડજ એ લોકના બ્રાહ્મણ તેને બાયલાઓએ માર્યા ! – જડજ સાહેબ અમથા પકડાયા કે બે ચારને મારીને?”

“માર્યા વગર કોઈ ઈંગ્રેજ પકડાય છે ?”

“જેના બ્રાહ્મણ એવા છે તેના રજપૂત સાથે લ્હડતાં કેવો વખત આવશે ? વારુ, તેના શરીરના કડકા લોકમાં વેરનાર તે તે રજપુત હતો કે બીજો કોઈ?”

“રજપુત કોઈ દિવસ મડદાં સાથે વેર રાખે છે ?”

મલ્લરાજ જરાક આડો પડ્યો, નળી મ્હોંમાંથી છેટે નાંખી, અને બોલ્યોઃ “હં ! ત્યારે રજપુત થઈને આવાં અધર્મીએાના પાસામાં પેસતાં શરમ નથી આવતી ?”

“મહારાજ, મને ખબર નહી કે તમે એટલામાં ઈંગ્રેજના થઈ ગયા હશો. જે થવું હોય તે થાવ. પણ તાત્યાટોપીનાં માણસો રત્નગરીથી વીશ ગાઉ ઉપર પડ્યાં છે ને તેમનો ઉપરી સંદેશો ક્‌હાવે છે તે આ આપણો દૂત ક્‌હેશે”

દૂત સમાચાર ક્‌હેવા લાગ્યો :

“મહારાજ, રત્નગરીથી વીશ ગાઉને છેટે આજ સાંજે તાત્યાટોપીનાં ત્રણ હજાર માણસનો કાફલો આવી પડ્યો છે. પાછળ બીજાં માણસ આવશે એમ ક્‌હેવાય છે. વસ્તી પાસે માણસોને વાસ્તે અન્ન અને ઘોડાઓને વાસ્તે ચંદી માગે છે, લીધેલા માલના પૈસા આપે છે, ને ક્‌હે છે કે અમે વસ્તીને હેરાન કરવા નથી આવ્યા પણ અમને ખાવાનું પૈસા આપતાં નહી મળે તો જોરથી મફત લેઈશું. સવારના પ્હોરમાં આપણા નગરની હદમાં આવી પડશે એમ લાગે છે.”