પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૭

“બીજું કાંઈ?" મલ્લરાજે ઉતાવળથી પુછયું.

“ના, જી. પણ એ લોકો એટલું ક્‌હેતા સંભળાય છે કે અમે અમારા દેશીરાજાઓની મિત્રતા ચાહીયે છીયે, અને જે દેશીઓ પરદેશીને આશ્રય આપે છે તે રાજય સર કરીએ છીએ.”

“બહુ સારું, તું પાછો જા, અને તેમની હીલચાલ જોતો ર્‌હેજે. મધ્યરાત્રે તેમ પાછલી રાત્રે એમ બે વખત તો તેમના સમાચાર અવશ્ય મળવા જોઈએ.”

“જેવી આજ્ઞા” કહી દુત ગયો. મહારાજ ઉભો થયો અને સામંતને કહ્યું. “સામંત, અત્યારે ને અત્યારે આ નગરીમાં હોય એટલા સર્વ ભાયાતને અને સેનાધ્યક્ષને એક ઘડીમાં બોલાવી લાવ.”

સામંત વિચારમાં પડ્યો. મહારાજ અધીરો થઈ બોલ્યોઃ “કેમ વિચારમાં પડ્યો ? આ કાળ વિચારનો નથી. બને તેટલી ત્વરાથી નિર્ણય કરવો જરુરનો છે.”

“મહારાજ તાત્યાનો સરદાર આપણી સાથે લ્હડવા નથી આવ્યો, આશ્રય માગવા આવ્યો છે.”

“ને આશ્રય ન મળે તો લ્હડવા આવ્યો છે."

“પણ આશ્રય આપવામાં કાંઈ વાંધો છે ?”

“તે વિચાર પછી થશે. સઉનો અભિપ્રાય લઈશું. હાલ તો લ્હડવાને સજજ થવામાં આળસ કરવાનું નથી. તરત ! જા !”

સામંતે મલ્લરાજના મુખ સામું જોયું, જોઈ રહ્યો, પ્રથમ પગ ઉપાડતાં વાર લગાડી, પછી પાછો ફરી ત્વરાથી બહાર નીકળી ચાલ્યો, મલ્લરાજે એકદમ જરાશંકરને તેડવા માણસ મોકલ્યું – માણસને આજ્ઞા થતાં પ્હેલાં જરાશેકરે બારણેથી અંદર આવવા આજ્ઞા મંગાવી. મલ્લરાજ આજ્ઞા આપતાં આપતાં પ્રસન્ન થયો અને બોલ્યોઃ “શકુન તો સારા થાય છે, વાહ, જરાશંકર વાહ ! શી ચિંતા કરનારો પ્રધાન ! તું નક્કી આટલા વાસ્તે જ આવે છે! – પણ મ્હારા ઘરમાં ફાટ પડવાની બ્હીક છે. મ્હેં કંપની સરકારનો સાથ ઈષ્ટ ગણ્યો છે - સામંત અને એવા બીજાઓને ઉલટી વાત ઈષ્ટ છે. યુદ્ધ કરવાને પ્રસંગે પાસવાનો વિરોધી થાય તે ખોટું. તેનો ઉપાય કરવો પડશે. રજપુતના મુખમાંથી શબ્દ નીકળ્યો તે નીકળ્યો. કંપની વાસ્તે લ્હડવું ને કંપનીને વાસ્તે મરવું – કરેલો ઠરાવ ને બોલેલું વચન યોગ્ય હો કે અયોગ્ય હો - એ