પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮

“વિચાર હવે કરવાનો નથી - મલ્લરાજના મુખમાંથી વચન નીકળી ચુક્યું – મેરુ ચળે ને સમુદ્ર માઝા મુકે પણ મલ્લરાજનું વચન ન ફરે. યુદ્ધ થવાનું નક્કી !” યુદ્ધનો વિચાર ચમકતાં મલ્લરાજને ક્ષાત્ર ઉત્સાહ ચ્હડયો. એના પગ ફાળ મારવા તત્પર થઈ રહ્યા, ઓઠ ઉત્સાહથી સ્ફુરવા લાગ્યા, અને જમણો હાથ તરવાર અને તેની મુઠ ઉપર નૃત્ય કરી રહ્યો.

જરાશંકર અંદર આવ્યો. તેની સલામ થતાં પ્હેલાં મલ્લરાજે તેને ખભે હાથ મુક્યો.

“કેમ જરાશંકર, યુદ્ધનો પ્રસંગ આવ્યો ?”

“મહારાજ, તે તો આપના હાથની વાત છે.”

“પણ આપણે વિચાર કરી નિર્ણય કરી ચુક્યા છીયે.”

“હાજી, પણ આપણા ભાયાતોનો વિચાર જુદો છે.”

“તેમને કોણે વિચાર કરાવ્યો ?”

“જેનો સ્વાર્થ હોય તેણે. આપની અને સામંતની વચ્ચેની કથા પ્રસિદ્ધ થઈ ચુકી છે. યુદ્ધ કરવું એ તો નક્કી છે. આપનો વિચાર દેશીઓ સાથે યુદ્ધ કરવાનો છે, ભાયાતો ધારે છે કે પરદેશીયો સાથે કરવું. ભાયાતોના આશ્રય વિના સેના ક્યાં છે?”

મલ્લરાજ કેડ પર બે હાથ દઈ ખડખડ હસી પડ્યો. “ત્હેં મ્હારા ભાયાતોને હજી ઓળખ્યા નથી. પણ મલ્લરાજે કરેલો વિચાર અને બોલેલો બોલ પાછો ફરે એમ નથી – તે વીશે કાંઈ વિચારવાનું જ નથી – હવે શું કરવું તે બોલ.”

“મહારાજ, સામંતને આજ્ઞા કરી છે તે સઉને બોલાવી લાવે તે સઉ આવે એટલે ભેગા મેળવી અભિપ્રાય પુછશો તો એક જ અભિપ્રાય આવશે અને તે આપને ભારે પડશે. માટે સઉને જુદા જુદા એકાંતમાં બોલાવી જેનો અભિપ્રાય જુદો પડે તેને – ”

“નજરકેદ રાખી અથવા મહેલમાં કેદ રાખી, બીજાઓને સાથે લેઈ બંડખોરો ઉપર ચ્હડી જવું ?”

“ક્ષમા ! મહારાજ ! એ મારો મન્ત્ર – રાજા અને પ્રધાન સ્વામી અને સેવક – નું હૃદય કેવું એક છે ?”

મલ્લરાજ ફરી હસ્યો.

“મહારાજ, આ પ્રસંગ સૂક્ષ્મ છે – હાસ્યનો નથી.”