પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦

રત્નનગરીના સૂર્યવંશી નાગરાજે સૂર્યવંશી શ્રીરામજીના સુગ્રીવજી સાથે કળજુગમાં સંધિ કરેલો છે, અને રત્નનગરીમાં બાપનો બોલ દીકરો તોડતો નથી અને રાજાનો બોલ ભાયાત તોડતા નથી. નાગરાજનો દીકરો મલ્લરાજ ને મલ્લરાજના ભાયાત તમે. આમાં તમારે મને પુછવાનું નથી ને મ્હારે તમને પુછવાનું નથી. નાગરાજનો બોલ હું પાળીશ ને મ્હારો બોલ તમે મ્હારા ભાઈઓ પાળશો એમાં વિચારવાનું શું ને પુછવાનું શું ? માટે ઉઠો, ને બાઇડીયો જેવાંનાં ટાયલાં ને વાણીયા જેવાના વિચાર સાંભળવા પડતા મુકી પોતપોતાના રસાલા લઈ બે ઘડીમાં પાછા આવો, અને ધન્ય દ્‍હાડો ધન્ય ઘડી કે યુદ્ધ પાસે આવે છે ત્યાં ઘોડાઓને મારી મુકીયે અને તરવારો અને બંધુકોને શત્રુનાં શરીર ઉપર રમાડીયે. ઉઠો, મલ્લરાજની મુછના વાળ ! ઘણે વર્ષે આ યુદ્ધનો વારો આવે છે; ને રજપૂતની લક્ષ્મી, તમને શત્રુના લોહીનો ચાંલો કરવા એ લોહીમાં બોળેલા હાથ ઉભા રાખી, ઉભી રહી છે ! ”

બીજાને ઉશ્કેરવા બોલતો બોલતો મલ્લરાજ જ પોતાના બોલથી ઉશ્કેરાઈ ગયો, અને ઉભો થયો ! મ્યાનમાંથી તરવાર ક્‌હાડી કોઈને મારવા જતો હોય તેમ ઉંચી કરી, બોલ્યો: “ચલો, ભા, ચલો” –

તે ઉભો થયો તેની સાથે સઉ મંડળ ઉભું થયું અને તેની પેઠે ઉશ્કેરાયું એક જણે બુમ પાડીઃ “ખમા મહારાજ મલ્લરાજને !” સર્વના વિચાર વેરાઈ ગયા અને રાજભક્ત શૂર પુરુષો રાજાના વચનને પાળવા ઉત્સાહથી રાજમંદિરના દ્વારની બ્હાર ચાલવા લાગ્યા.

અંદર માત્ર મલ્લરાજ અને જરાશંકર રહ્યા. દ્વાર સુધી સઉની પાછળ જઈ સામંત પાછો વળ્યો. તેના મુખ ઉપર પરસેવો વળ્યો હતો, તેની આંખો લાલ ચોળ થઈ હતી, અને તેને શૌર્ય ચડ્યું કે ક્રોધ ચ્હડયો હતો તે કળવું કઠણ થઈ પડ્યું. પણ તે મલ્લરાજ પાસે બોલી શક્યો નહી.

મલ્લરાજે પુછયું - “કેમ સામંત, શા વિચારમાં પાછો વળે છે?”

શરીરે કોપ પણ શબ્દમાં નરમ પડી સામંત બોલ્યોઃ “મહારાજ, બહુ વસમું કર્યું. સઉના અભિપ્રાય લેવા તેમને તેડવા મને મોકલ્યો હતો – મ્હેં એમ જાણ્યું ન હતું કે આપ એકદમ આજ્ઞા આપી બેસશો !– મહારાજ ! ઘણું સાહસ થયું.” લોખંડના ભારે પાંચશેરા ફેંકવામાં આવતા હોય તેમ સામંતના શબ્દ અચકાઈ અચકાઈ ધીમે ધીમે પણ અત્યંત ભાર સાથે એક પછી એક નીકળ્યા.