પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૧

મલ્લરાજે તેને શાંત પાડવા માંડ્યોઃ “સામંત, ધીરો પડ. ચાલ, બેસ, અને જરા શ્વાસ ખા.”

સઉ બેઠા, સામંતે ઉત્તર ન દીધો. આડું જોઈ રહ્યો. મલ્લરાજ તેને મનાવવા લાગ્યો.

“સામંત ! મ્હેં બહુ વિચાર કરી કામ કર્યું છે. મારી ખાતરી છે કે મ્હારું કારણ જાણીશ ત્યારે તું મને ખરો કહીશ. પણ ધાર કે આપણો મત જુદા પડ્યા તો તું ત્હારા મત પ્રમાણે વર્તશે કે મ્હારા મત પ્રમાણે ? ક્‌હે, વારુ, ખરો ઉત્તર દે કે ત્હારા ઉપર મ્હારો અધિકાર કેટલો તે જણાય. જો, ત્હારી રાજભક્તિ ઉપર - ત્હારી પ્રીતિ ઉપર – મ્હારો અધિકાર ન હોય તો તો ત્હારા ઉપર આજ્ઞા ન કરતાં મ્હારા મતનું ખરાપણું સમજાવું.”

સામતનું શરીર તેમ મન આ શબ્દોથી કેવળ શિથિલ બની ગયું. મલ્લરાજના મુખ આગળ પળવારમાં તે ગરીબ ગાય જેવો થઈ ગયો અને તેને ખોળે પાઘડી ઉતારી બોલ્યો.

“મહારાજ, ક્ષમા કરો મ્હારો અપરાધ. આપની આજ્ઞા નહીં પાળું તો કોની પાળીશ ? અરેરે, મ્હારો અભિપ્રાય ગમે તે હો પણ આપની આજ્ઞા જણાયા પછી જે હું એ અભિપ્રાયને અનુસરું તો આપની આજ્ઞાભંગ કરનાર આ રાજદ્રોહી શિરનો છેદ થવો જોઈએ.”

વળી હાથ જોડી બોલ્યો: “મહારાજ, હવે તો આજ્ઞા આપો તો સર્વ મંડળ આપની આજ્ઞા પાળવા ગયું છે તેમાં હું પાછળ ન પડું.”

“વાહ, મ્હારા વ્હાલા સામંત, વાહ ! તું મ્હારા રાજ્યનો મહાન્ સ્તંભ છે, મ્હારી સેનાના મુખનો અગ્રણી હાથી છે. હું તને આજ્ઞા આપીશ જ. દશરથનો બોલ રામજીએ પાળ્યો ને રામજીનો બોલ લક્ષ્મણજી ને ભરતજીએ પાળ્યો તેમ નાગરાજનો બોલ હું પાળું ને મ્હારો બોલ તું પાળે એ સુરજકુળનો અસલ મહિમા છે.”

“મહારાજ, આજ્ઞા આપો – શા વાસ્તે મ્હારી ભક્તિ દેખાડવાના સમયમાં વિલંબ કરો છો ? ”

“સામંત, મ્હારા કરતાં તું ચાર વર્ષ મ્હોટો છે. દુર્યોધનને ત્યાં ભીષ્મપિતામહ હતા તેમ મારે ત્યાં તું છે. ત્હારી ભક્તિપર જેવો મ્હારો વિશ્વાસ છે તેવો ત્હારા અભિપ્રાય ઉપર પણ છે.”

સામંત કંપવા લાગ્યો – તેણે પોતાને કાને હાથ મુક્યા – પછી