પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૩

પ્રધાનપદ આપ્યું છે તે એટલા માટે કે આવાં આવાં મ્હારાં રત્નોની પરીક્ષા તું કરી રાખે અને જે કાળે હું મ્હારા પૂર્વજોના ભેગો શ્મશાનગામી થઈ ગયો હઉં તે કાળે મ્હારા પુત્રને આ પુરુષરત્નોની પરીક્ષા કરતાં તું શીખવે. પરદેશમાં પુરુષરત્નો હોય તે આ નગરીમાં વસાવવાં અને નગરીને અધિક રત્નવાળી કરવી આવશ્યક છે તો પછી આ નગરીમાંનાં રત્નો શોધવાનું ભુલાય તે તો ખમાય જ કેમ ? જે રત્ન ઉપર મેલ હોય તેને શુદ્ધ કરવાં, તેમનું તેજ આગળ આણવું, તેમનું મૂલ્ય વધારવું, એ આ રાજયના રાજાઓની કળા છે તે તું જાતે શીખજે ને મ્હારા વારસને શીખવજે, અને તેને એવો પ્રધાન આપજે કે જે આ કળા જાણે અને શીખે. બીજું, સાંભળ. પ્રાતઃકાળે યુદ્ધ થાય ને આ દેહ રણમાં પડે તો મ્હારા મનના મનોરથ જાણનારા બ્રાહ્મણ આયુષ્યમાન્ હશે તો કોઈ દિવસ રત્નનગરીનો ઉદ્ધાર કરશે. માટે બે બોલ સાંભળી લે. આવે કાળે ક્ષત્રિયો અંતરના મર્મ ઉઘાડે છે કે મનની મનમાં રહી જાય નહી.”

જરાશંકરની આંખમાં આંસુ આવ્યાં. મલ્લરાજે બોલવાં માંડ્યું.

“જો. આ બ્રાહ્મણ-ક્ષત્રિય-વર્ણો પરાપૂર્વથી ચાલે છે તેમાં એક લાભ છે. યુદ્ધનું માહાત્મ્ય ક્ષત્રિયોમાં અને જ્ઞાનનું બ્રાહ્મણોમાં રાખ્યું છે. ક્ષત્રિયોનું કામ મરવાનું ને બ્રાહ્મણોનું જીવવાનું. જેમ કેટલાંક ઝાડને કાપો તેમ વધે છે તેમ ક્ષત્રિયો મરે તેમ તેનાં સંતાન શૂરાં થાય છે – જેમ જયશિખરીની પાછળ વનરાજ થયો, એક શરીરનું બીજ મુક્યું તો ત્યાંથી બીજું શરીર ઉગે છે, પણ જ્ઞાન અને કળાનાં બીજ રોપાતાં નથી. જ્ઞાન અને કળાઓ તો અગ્નિહોત્રના અગ્નિ પેઠે વંશપરંપરા અખંડ જાળવી રાખવાનાં છે. રાજાઓ મરે ત્યારે રાજવિદ્યા અને યુદ્ધવિદ્યા નાશ પામે તો પાછળની પ્રજા શું કરે? અને રાજાઓ ન મરે તો ક્ષત્રિયોને માથે જીવનપ્રિય રાજાઓ ર્‌હે તેને ક્ષત્રિયો માન કેમ આપે ને બાયલા કેમ ન ગણે? રાજાને યુદ્ધમાં યમ સાથે લડતો જોઈ ક્ષત્રિયોની રાજભક્તિ અને શૂરતા, તીક્ષ્ણ થાય છે. માટે રાજાએ યુદ્ધને મંગળરૂપ ગણવું. હવે રાજા મરે તો તેની રાજવિદ્યા અને શસ્ત્રવિદ્યા નાશ ન પામે – નવો રાજા બાળક હોય કે શત્રુ હોય – તેને માટે રાજવિદ્યા અને શસ્ત્રવિદ્યાનો આધાર પણ તેમના બ્રાહ્મણ મંત્રીઓને કરવા. બ્રાહ્મણોનો વધ શાસ્ત્રમાં નિષિદ્ધ ગણ્યો તે આવાં આવાં જ્ઞાનનાં બ્રાહ્મણરૂપ અક્ષયપાત્ર સાચવવાને માટે