પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪

અને અખિલ લોકના કલ્યાણને માટે, જો દ્રોણાચાર્યની શસ્ત્રવિદ્યા અને ચાણક્યની રાજવિદ્યા. ચાણક્ય હતો તો ચંદ્રગુપ્ત સર્વ વિદ્યા શીખ્યો અને મલેચ્છોને કંપાવી શક્યો. રાજબીજને પણ બ્રાહ્મણ માળી જોઈએ છીએ અને મહાન્ અનુભવવિના વિદ્યા સતેજ થતી નથી. માટે રાજાએ મંત્રીયોને સ્થળે બ્રાહ્મણો રાખવા, તેમને મહાન્ પ્રસંગોના અનુભવી કરવા, અને તેમનું આયુષ્યરત્ન જાળવવું એ રાજાઓનું કામ મ્હારા પુત્રને શીખવજે.”

"બીજું બ્રાહ્મણને ઠેકાણે બ્રાહ્મણ, ક્ષત્રિયને ઠેકાણે ક્ષત્રિય, અને વૈશ્યને ઠેકાણે વૈશ્ય, વગેરે વાતમાં વાંધો ન પડે. વળી જે હવે કાળ બદલાશે અને વર્ણાશ્રમના ધર્મ નાશ પામશે એ પણ નક્કી છે, પણ આનો અર્થ ઉંધો ન સમજીશ. અસલ બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણપણું કરતો હતો તે બંધ થશે અને ક્ષત્રિયોના દીકરા ઈંગ્રેજી રાજ્યમાં લ્હડવા નહીં પામે એટલે, આશ્રમ તો નાશ પામ્યા છે જ પણ, વર્ણાચાર પણ નષ્ટ થશે, તે કાળે સમય જોઈ વર્તતાં શીખજે અને શીખવજે. તું ગમે તે કરશે પણ બ્રાહ્મણમાં શુદ્ધ ક્ષત્રિયપણું આવવાનું નથી અને ક્ષત્રીયોમાં શુદ્ધ બ્રહ્મત્વ આવવાનું નથી; વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ થતાં તેનાથી પોતાનો સ્વભાવ તજાયો નહી તેની વાત જો; અને પરશુરામની ભૂમિમાં જન્મેલા બ્રાહ્મણ પેશવાઓ યુદ્ધમાં લ્હડ્યા, પણ એમનો ક્રમ જો – પ્રથમ સ્વામિદ્રોહ, પછી પરસ્પરદ્રોહ, અને છેલો પ્રલયકાળ રાજદ્રોહી રાઘોબાનો પૌત્ર આ નાનાસાહેબ આજ વર્તાવવા ઉભો થયો છે તે ભસ્માસુરની પેઠે પોતાનો હાથ પોતાને માથે ન મુકે તો મને સંભારજે. એ પોતાના લાભ સારુ લ્હડે છે, ક્રૂરપણે વર્તે છે, પણ ક્ષત્રિયોના ઉદાર અને ઉદાત્ત ધર્મ તેને આવડવાના નથી ને તેના વંશમાં કોઈને આવડ્યા નથી. બ્રહ્મરત્નોને ઠેકાણે બ્રહ્મ-અંગારાઓ હાલ દેખાય છે. માટે ત્હારે સર્વ વર્ણોમાં હલકા કાંકરા, કોયલા, અને અંગારા હોય તેને ઉત્તેજન ન આપવું – ત્યાં વર્ણાચાર નાશ પામવા સૃજેલો છે તે અટકાવવા મિથ્યા પ્રયત્ન ન કરવો પણ બુદ્ધિની અને હૃદયની પરીક્ષા કરી બ્રહ્મરત્ન, ક્ષત્રિયરત્ન, અને વૈશ્યરત્નોને ખુણે ખોચલેથી, દેશપરદેશથી, શોધી ક્‌હાડી મ્હારી નગરીમાં યથાશક્તિ ભરજે અને પેલા કાંકરા, કોયલા જેમ દૂર જાય તેમ કરજે. એ રત્નો એકઠાં કરી તેમાં તેમના વર્ણપ્રમાણે વિવેક કરજે. જરાશંકર, રાત થોડી ને વેશ ઘણા છે. મ્હારા વારસને આ શીખવજે.”