પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૫


બારણે એકઠા થતા વીરોના સ્વર સંભળાવા લાગ્યા.

“જરાશંકર, એક વાત ભુલી ગયો છું. તે સાંભળ. ૨ત્નો આ નગરીમાં ભેગા કરવા કહ્યું તેનો અર્થ અવળો કરીશ નહીં. જો, કેટલાંક રત્ન આપણે ઘેર સારાં, ને કેટલાંક આપણે ઘેરથી પરઘેર ગયાં જ શોભે. પુત્રરત્ન ઘેર સારું – તેમ ક્ષત્રિયરત્ન ઘરનું સારૂં; પરદેશીનો વિશ્વાસ નહીં હોં ! કદી આ વાત ચુકીશ નહી. કન્યારત્ન પરઘેર દીપે – તેમ આ રાજયનાં બ્રહ્મરત્નનું તેજ પરરાજ્યમાં તપવા દેવું, ઘેર બેઠે બુદ્ધિ કટાય, અનુભવ ઓછો થાય, આળસ વધે, નિઃસ્પૃહીપણામાં ને નિષ્પક્ષપાતપણામાં ખામી આવે, ઘરકુકડીપણું થાય, પરસ્પરવિગ્રહી સ્વભાવ થાય, આપણા ન્હાના રાજયમાં સારાં રત્નની અછત થઈ જાય, ને પરરાજ્યનાં મ્હોટાં રત્ન આણીયે ત્યારે આપણા દેશી કાંકરાં અદેખાઈ કરે તે સ્હેવી પડે, અથવા તે અદેખાઈનો પ્રસંગ ન આણીયે તો મૂલ્યવાન રત્નોને જે દ્રવ્ય આપી મહાન લાભ મળવાના તેટલું જ દ્રવ્ય ઘરના કાંકરા પાછળ ખરચી લાભને ઠેકાણે અનેકધા હાનિઓ પામવાની થશે. મહાપ્રસંગે બુદ્ધિવાળાં અનુભવી માણસો વગર ચલાવવું પડશે. અને રાજ્યને ધકકાનો અને પ્રજાને જુલમનો વારો આવવાનો – અધિકારીયોને નીમતાં અને ઉત્તેજન આપતાં આ વાત સરત રાખજે. તેઓ નાતે ગમે તે હશે પણ અસલ જે કામ બ્રાહ્મણો કરતા તે કામ તેમને હાલ કરવાનું છે, તે કામ કરવાની તેમની યોગ્યતા વિચારજે અને વધારજે, અને આપણા રાજ્યનાં માણસો નીમી તેમને એકલહત્થા વાણીયા - ઘરમાં સિંહ અને બ્હાર શીયાળ – થવા દેઈશ નહીં. અને એ કામ સારૂં જે રત્ન વસાવે તેમાં સરત રાખજે કે રત્નો તો –

“જ્યું જ્યું પરભૂમ સંચરે, મુલ મોઘેરાં થાય.”

“મ્હારા પ્રધાનોએ આવું હાટ માંડવું અને તેમાં ચતુર વણિગ્યાપારીની કળા વાપરવી.”

બ્હાર વધારે સ્વર થવા લાગ્યા.

“બસ, હવે અવકાશ નથી. પણ આ સઉ મ્હારા વારસને શીખવજે. મને હવે મ્હારા યુદ્ધાનંદમાં પડતાં પ્હેલાં અને યુદ્ધને અર્થે રત્નનગરીનો ત્યાગ કરતાં પહેલાં એ મ્હારી વ્હાલી રત્નનગરીના ઉપર વ્હાલનો છેલો ઉમળકો આણવા દે અને તેને સારૂ રત્નનગરી નામ શાથી પડ્યું તે મંગળ શ્લોક બોલી બતાવ – ઝટ.”