પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૩

મ્હારા કુળને છાજતું નથી. હું આપને પગે પડીને આ મ્હારા પતિ કુળ ચંદ્રના સમક્ષ સોગન ખાઈને કહું છું કે આપની સર્વ આજ્ઞાઓ મ્હારા એકના એક પુત્ર પેઠે જાળવીશ – મ્હારું કુળ જાળવીશ – મહારાજ, આપ રણમાં મ્હારી વાતે સ્વસ્થ ર્‌હેજો – ક્ષત્રિયનું રણ તે જ ક્ષત્રિયાણીનું આભરણું.”

રાણી રાજાને પગે પડી, પગ ચુંબ્યા, અને રાજાએ ઉઠાડી ઉઠી.

“પ્રિય રાણી, ત્હારાં વચન પર મને શ્રદ્ધા છે. મને ખબર છે કે સ્ત્રીયો પવિત્ર ર્‌હે છે તે પોતાની ઈચ્છાથી અને પારકા ડબાણથી નહી. રાણી ! ત્હારી પવિત્ર ઈચ્છાઓ, કુલીન સંસ્કાર, અને હૃદયના શબ્દ ઉપર મને પૂર્ણ વિશ્વાસ છે. – શુદ્ધ ક્ષત્રિયાણી ! – જો, કોઈ દ્વાર ઠોકે છે."

જરાશંકર આવ્યો. “સામંતની સેના વીદાય થઈ ચુકી. આવેલા મહાપુરુષોમાંથી ગમે તે બે જણે જ આપની પાસે આવવું એમ કહી બોલાવ્યા છે તે સત્વર આવશે.” આ વાક્ય બોલાતું હતું એટલામાં એક પાસ થઈને રાણી ગઈ.

“કેમ બેને જ બોલાવ્યા ?" મલરાજે પુછયું.

“એકાંતમાં એથી વધારે શસ્ત્ર બંધી સંખ્યાનો ખપ નહી, ને કામ કરવાનું તે તો એકથીયે થાય. છતાં વળી બેને આવવા રજા આપી છે.”

દૂત બે જણને લેઈ અંદર આવ્યો. મહારાજ ગાદી ઉપર બેઠો. પાછળ જરાશંકર બેઠો. સામે દૂત અને બે નવા પુરુષો ઉભા.મલ્લરાજે શિર કંપાવી તેમની સલામી ઝીલી અને હાથ લાંબો કરી સામે સ્થાન દેખાડ્યું ત્યાં બેઠા.

એકને માથે મરાઠી પાઘડી અને બીજાને માથે દક્ષિણી બ્રાહ્મણશાઈ પાઘડી હતી. દૂતે ગોષ્ઠી આરંભી.

“મહારાજ, આ સુભાજીરાવ નામના સરદાર છે અને આ કેશવપંત શાસ્ત્રી છે તે આપને પોતાની ઈચ્છા નિવેદિત કરશે. સુભાજીરાવ, આ અમારા મહારાજની પાછળ અમારા પ્રધાનજી

છે – કોઈ પરભાર્યું નથી.”

કેશવ શાસ્ત્રીએ વાત આરંભી.

“મહારાજના સ્વદેશાભિમાનની કીર્તિ અમારા શ્રીમંત સરકાર