પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૫

“ભાઉસાહેબ, તેલંગીઓ જ્ઞ ઉચ્ચારે છે અને તમે દ્‌ન ઉચ્ચારો છો ત્યાં અમારા લોક ગ્ન ઉચ્ચારે છે.” જરાશંકર નીચલો ઓઠ કરડી બોલ્યો.

શાસ્ત્રીબાવા ક્‌હે: “ હારે સુભાજીરાવ, હું ગુજરાતનો અનુભવી છું. અહીંયાનું દૈશીક એવું જ છે.”

શાસ્ત્રી આમ બોલ્યા, પણ મરાઠાને આ વાગ્વિનોદ અસ્થાને લાગ્યો અને તેને ખોટું ન લાગે એમ પોતે વાત ઉપાડી લીધી.

“રાજાસાહેબ, અમારું કાંઈ ક્‌હેવાનું છે તેનો શાસ્ત્રાર્થ શાસ્ત્રીબુવા પાસે માગાહુન કરાવીશું, પણ હાલ ક્‌હેવાનું અમારા ટુંકા બોલમાં બોલી દઉં છું - જેવા આપે ટુંકા કહી દીધા તેવા હવે હું કહી દઉ છું ”

મલ્લરાજને કંઈક આ ગમ્યું. “બેલાશક બોલો.”

“જુવો સાહેબ,” સુભાજી બોલ્યો, “આજ સુધી આ દેશમાં જેટલાં પરદેશી રાજ્ય આવ્યાં તેમાં ઈંગ્રેજનું રાજ્ય તેમની ચાતુરતાને લીધે આ દેશને વધારે ભયંકર છે.”

મલ્લરાજના હૃદયમાં ઉંડો વિચાર પેઠો, અને મરાઠી પોતે કરેલા ઘાની સફલતા સમજ્યો ને ખુશ થઈ આગળ વધ્યો. તેણે જાણ્યું કે આ કાંઈ હલકા પોચા મૂર્ખ સાથે પેચ રમવાનું નથી, અને વિચારશિલને ભેદવાને વિચારશાસ્ત્ર ક્‌હાડ્યાં.

“ત્યારે, સાહેબ, આ અવસરે સઉનું ઐક્ય કરવાના કોઈ મહાપુરુષે માર્ગ શોધી ક્‌હાડ્યા છે. આ બંધુકની કારતુસમાં ગાયડુકરની ચરબીની કથા ચલાવી છે તે તો એક ગાંડો ગોળો છે, પણ સામાના લશ્કરમાં આપણા અજ્ઞાન માણસ રહ્યાં તે – ગાંડા ઘેલાં હીંદુ અને મુસલમાનો - બે ગાંડાઓને ગાંડાઘેલા બોલથી આપણા તરફ ખેંચવાનો ગાંડો ગોળો છે ને તે પુષ્કળ ફાવ્યો છે ને અમારા શિવાજી મહારાજના સમયમાં 'ડોંગરાસ લાવલે દેવ' એવો સંકેત હતો તે હાલ આ ગોળો સિદ્ધ કરે છે ને એવા બીજા અનેક ગોળા છે, પણ આપના જેવા ચતુર રાજપુરુષને તો તત્વ ક્‌હેવાનું છે તે જુદું છે."

“સાહેબ, એ તત્વ એવું છે કે ઈંગ્રેજની હવે બુદ્ધિ ફરી છે તે તેમના અસ્તકાળનું ચિન્હ છે – શત્રુનો અસ્તકાળ આવ્યે આપણે નહીં જાગીયે તો બીજો કોઈ જાગશે તે સિદ્ધ. તો આપના જેવા સિંહો કેમ નહી જાગે ? સાહેબ; ઈંગ્રેજેની મતિ દુષ્ટ થઈ છે,