પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૯

થોડી ઘણી લાતો ખાઈ સામા થાય, જાગે, જીતે ને ડાહ્યા દયાળુ પછીથી થાય.”

જરા૦—“એ કાંઈ સમજાયું નહી.”

મલ્લ૦–“મ્હેં વિચારી જોયું તો દત્તક ન લેવા દેવાને નામે કે બીજી રીતે જે જે રાજ્યો એ લોક કરાર તોડી સ્વાહા કરી ગયા તે રાજ્યો અસલ ભાઈ સાહેબ ઈંગ્રેજે જ દયાથી કે દાનતથી કે બ્હીકથી પોતે આપેલાં. પછી પસ્તાયા કે, હાય આપ્યાં શું કરવા ? પસ્તાયા એટલે ખાવાને વખતે પડતા મુકેલા ઉચ્છિષ્ટ કોળીયા ફરી સ્વાહા કરવા માંડ્યા ! પણ અસલનાં રાજ્યોમાં એમણે કદી હાથ ઘાલેલો નથી. ફળ જો કે એ અસલનાં રાજ્ય આજ ઈંગ્રેજી પક્ષમાં છે ને એમનાં ફરઝંદદારી રાજ્યને એમણે ખાવાનું કર્યું તે એમનાં સામા ડોળા ક્‌હાડે છે.”

જરા૦–“પોતાનાં છોકરાંને ખાય તે બીજાને કેમ ન ખાય ?”

મલ્લ૦–“ ભુખ લાગ્યે ખાય પણ ખરા. પોતે ઉભાં કરેલાં રાજ્યને પાડતાં કે ખાતાં ક્‌હે છે કે અમે આપ્યું તે જરુર પડ્યે પાછું લઈએ. એ નિમિત્ત જુનાં રાજયવાળાને લાગુ નથી. બાકી નિમિત્ત આપીયે તો મ્હોટાં પ્રાણી ન્હાનાંને ખાય એનાં આ આપણાં અરણ્ય અને સમુદ્રમાંથી દૃષ્ટાંતો રોજ જોયાં કર ને બધાં જુનાં રાજ્યનાં પાનાં ઉથલાવી જો. પણ હજી સુધી ઈંગ્રેજે કોઈ પારકાને વગર નિમિત્તે ખાધું નથી, કારણ એ લોકનું, ઈશ્વરના રાજ્ય પેઠે, નિમિત્તકારણનું રાજ્ય છે. નિમિત્તની વાટ જુવે એટલે એમાં દૈવી અંશ. આપણા રાજ્યમાંથી જ તેમને નિમિત્ત આપીશું ને ત્યારે એમની ભુખ ઉઘડશે તો નિમિત્ત આપનાર આપણે જ મૂર્ખ સમજવા. આપણા રાજ્યશરીરમાં છિદ્ર હશે તો એ મર્કટો એ છિદ્રમાં આંગળીયો ઘાલી ઘાલી પહોળાં કરશે ને અંદરથી જે હાથ આવશે ત્યાં બચકું ભરશે, પણ એ મર્કટ-સ્વભાવ નહીં જગાડીયે ત્યાંસુધી એમના દૈવી અંશ ઉપર વિશ્વાસ રાખજે. નિમિત્ત વગર એ બીજાને નહીં ખાય – કારણ કાંઈક ઈશ્વરથી ડરે છે અને છેક લાંબા પગલાં ભરતાં વિચાર કરે છે. મને ડર નથી પણ જે ડરકણોને ડર લાગ્યો છે તે શું કરે છે તે તું જુવે છે ?”

જરા૦-“ના.”

મલ્લ૦-“આ ઈંગ્રેજ દત્તક કરવા નહી દે અને રાજય ખાઈ જશે એ બ્હાને આપણા રજવાડાઓમાં લુચ્ચા કારભારીયો, રજપુતાણીઓને