પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૩

પરહદમાં નીકળી ગઈ. નીકળતાં નીકળતાં સામંતના દારૂગોળાનો કાંઈક માર પડ્યો તે ખમી ગઈ અને પાછળ પડેલાં થોડાંક માણસ સામંતના હાથમાં આવ્યાં તેને બચાવવાનો પ્રયત્ન ન કર્યો. સુભાજી વગેરે ત્રણે જણને રત્નનગરીનાં માણસોની ચોકીએ બીજે માર્ગે થઈ પરહદમાં મુક્યા, અને ત્યાંથી મલ્લરાજ અને જરાશંકરને અનેક ગાળો દેતા દેતા પ્રાતઃકાળે પોતાની સેનાને મળ્યા અને બીજે માર્ગે ચાલી ગયા. તે સઉ ગયાની અને તે પાછા નહી આવે તેની ખાતરી થતાં સામંત પાછો ફર્યો, અને વગર યુદ્ધે હાથમાં આવેલાં માણસ સ્ત્રીતુલ્ય ગણી મલ્લરાજે કેદ પકડાયલા માણસોને પોતાની હદ બહાર ક્‌હાડી મુક્યા.

દીલ્હી ઈંગ્રેજને હાથ પાછું આવ્યું. ભરતીની દિશા બદલાઈ ઈંગ્રેજ જયવંત થયા, મહારાણી વિકટોરિયાનું રાજ્ય થયું અને ભરતખંડમાં નવા રાજ્યની રાજ્યઘોષણા એ રાણીના સ્વહસ્તે લખેલા કોમળ ઉદાર શબ્દોમાં થઈ. મલ્લરાજનો કરેલો વર્તારો ખરો પડ્યો, સર્વ વાતે ખરો પડ્યો. બ્રેવ સાહેબ ઉપરની ચીઠી અને સુભાજીરાવ સામેનું પ્રયાણ એ બે પ્રસંગોથી રત્નનગરીનો અને ઈંગ્રેજ વચ્ચેનો સંબંધ ઘાડો થયો અને રોપેલા કાર્યવૃક્ષને ઈષ્ટ ફળસિદ્ધિ થઈ.

આ ફળસિદ્ધિની વાત ઘણા ઘણા દિવસ સુધી રાજાએ અને પ્રધાને સંભારી રાખી, અને તેથી એકલો આનંદ ન પામતાં એ વાત જયારે નીકળતી ત્યારે મલ્લરાજનું મુખ ગંભીર થઈ જતું. એક વાર પ્રસંગ નીકળતાં તે બોલ્યો: “જરાશંકર, ઈશ્વરે સારી વાતો પણ ધારેલી સિદ્ધ કરી તેમ ખોટી વાતો પણ જે જે ધારી હતી તે સિદ્ધ થતી હોય એમ લાગે છે. મ્હારા પિતાએ ઈંગ્રેજ સાથે પ્રથમ સંધિ કર્યો ત્યારે જ મ્હેં નિર્ણય કર્યો હતો કે રજપુતાઈ રંડવાનો કાળ આવ્યો. નાનાસાહેબના બંડપ્રસંગે જમે અને ઉધાર વિચારી મ્હેં જાતે જ એ સંધિ દૃઢ કર્યો તેમાંની જમે અને ઉધાર બાજુ ખરી પડતી જાય છે અને પડશે. ઈંગ્રેજોનામાં સુગ્રીવજીની સેનાના સારા અને નઠારા સર્વ ગુણ દૈવી અંશ અને વાનર અંશ – સર્વ પ્રકટ થાય છે અને થશે. અને તેને યોગ્ય આપણે વિચાર અને આચાર રાખવા પડશે. બ્રેવ સાહેબ ગુજરી ગયા અને હું રહ્યો. બ્રેવ સાહેબના જેવા ઈંગ્રેજો હવે આ દેશમાં થોડા આવશે. હવે ઈંગ્રેજોને પણ આ દેશમાં શુદ્ધ રાજાઓની સાથે યુદ્ધ નહીં કરવાં પડે પણ ધાડપાડુઓ, બાયલાઓ, વ્યસનીઓ, અને એવાએવાઓની સામે શિક્ષાની તરવાર ઉગામવાને નિમિત્તે યુદ્ધ કરવું