પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪

પડશે. તેને યુદ્ધ સમજીશ મા. એ તો છોકરાંની રમત - પોલીસની દોડધામ જેવી વાત સમજજે. ઈંગ્રેજોનું તેમ આપણા લોકનું ક્ષત્રિયત્વ આ દેશમાંથી જતું રહેવાનું – તેમના મહાન્ રાજ્યમાં અન્યત્ર યુદ્ધ થશે તેથી તેમની સેનાને અનુભવના દ્વાર મળવાનાં. પણ આપણને તે દ્વાર નહી મળે – આપણે તરવાર આપી નથી, પણ આપી દીધી જ સમજવી. આપણે હવે વૈશ્ય જેવા થઈશું અને પૃથ્વીનું ઉત્પન્ન વધારવામાં આપણું ભાગ્ય સમાપ્ત થશે. તેની સાથે ઈંગ્રેજો બ્હાર ગમે તે હશે પણ આ દેશમાં આવી વૈશ્યવૃત્તિવાળા થઈ જવાના, અને અત્રેથી કમાઈ કરી પોતાને દેશ જઈ ત્યાંના પોતાના બન્ધુઓને પણ પોતાના જેવા કરવાના એ સિદ્ધ. સર્વથા ભાવી આગળ કોઈ બળવાન નથી, પણ હવે દેશકાળ બદલાયા અને નવા યુગનો પવન ઝપાટાબંધ ચોપાસથી વાવા લાગ્યો છે તેમાં શું કરવું, કેવી રીતે વર્તવું, કેવાં બીજ નાંખવાં, ક્યાં નાંખવાં, શું રાખવું, શું પડતું મુકવું, વગેરે સર્વ વાતોનો ગંભીર વિચાર કરવો એ હવે મ્હારું ને ત્હારું કામ.”

જરાશંકર – “મહારાજ, કેવળ સત્ય વાત બોલો છો. આ નવો યુગ પ્રવર્તે છે તેના ઉન્માદમાં એકદમ દાખલ થઈ જવું જેમ ઠીક નથી તેમ પાછલો યુગ હજી વિદ્યમાન હોય તેમ નવા યુગનો પ્રમાદ કરવો પણ યોગ નથી. નવો યુગ નહી સમજે ને પ્રમાદ ધરશે તે અર્જુન પેઠે કાબાઓથી લુંટાશે, નવા યુગના ઉન્માદમાં લીન થશે તે પરીક્ષિતની પેઠે બ્રાહ્મણને ગળે સર્પ વીંટી પાછળથી પસ્તાશે. ક્ષત્રિયોનાં લોખંડનાં શસ્ત્ર ગયાં સમજવાં એ નક્કી, પણ શસ્ત્ર ના ધરવાની પ્રતિજ્ઞા સ્વીકારી શ્રીકૃષ્ણ પરમાત્માએ વગરશસ્ત્રે પાંડવોના ધર્મયુદ્ધમાં ધર્મવિજય પ્રવર્તાવ્યો એ કથામાં આપણા પુરાણ મુનિએ મહાન ઉપદેશનું રહસ્ય મુક્યું છે તે આપના જેવાઓને જ માટે शोक प्रवीन, कछु न करो એ વાક્ય શૂરવીરોને પણ કામ લાગે છે. મહારાજ, મનને અસ્ત કરી ન નાંખો.”

મલ્લરાજ વિચારમાં લીન હતો. તેના ક્ષાત્ર નેત્રોમાંથી અપ્રતિહત જળ-ધારા ચાલતી હતી. તેના દાંત નીચલા ઓઠને અત્યંત બળથી કરડતા હતા ને એ ઓઠમાંથી રુધિર નીકળે એટલું જ બાકી હતું. વામ હસ્તની તર્જની મુછ ઉપર ભાર દેઈ આળોટતી હતી. કપાળે કરચલીયો વળી હતી ને તેની વચ્ચે થઈને પરસેવો ઉભરાતો હતો. જરાશંકરે આ અવસ્થામાંથી તેને જગાડવા ફરી પ્રયત્ન કર્યો.