પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૭

“મહારાજ, કહ્યું વધારે કે નીવડ્યું વધારે ? હું હાર્યો અને રાણીજીએ પ્રસન્ન કરી પાછા અમારી પાસે આપને મોકલ્યા તે આપની પ્રસન્નતા અમે ભોગવીયે છીયે તે રાણીજીની જ અમારા ઉપર કૃપા."

“ત્યારે રાણીનો પ્રતાપ તારા કરતાં વધારે ?”

“મહારાજ, સ્વસ્થાને સર્વનો પ્રતાપ વધારે - દિવસે સૂર્યનો, શુક્લપક્ષની રાત્રે ચંદ્રનો, ને કૃષ્ણપક્ષની રાત્રે તારાઓનો. દશરથનો અધિકાર એ કે તેના શબ્દ સાચવવા રામ વન ગયા. પણ દશરથ, કૌશલ્યા, લક્ષ્મણ, ને સીતા તે સર્વેએ ઈચ્છ્યું કે અમને તમારી સાથે વનમાં લઈ જાવ. પણ સર્વ ધર્મ જાણનાર શ્રી રામચંદ્રજી - તેમણે કેવો વિવેક કર્યો તે જુવો. કૌશલ્યાજીને સાફ ના કહી કે ત્હારો અધિકાર પિતા પાસે ર્‌હેવાનો છે - આજ્ઞા કરી કૌશલ્યાને દશરથ પાસે રાખ્યાં – ધર્મકાર્યે પુત્ર માતાને આજ્ઞા કરી શકે. માતાની સ્ત્રીબુદ્ધિ થાય ત્યારે પુરુષબુદ્ધિવાળો પુત્ર ધર્મ સાચવવા માને જ આજ્ઞા કરે – તેવા સમયો અર્થે જ શાસ્ત્રવચન છે કે न स्त्री स्वातंत्र्यमहंति॥ દશરથ પિતા તેમણે પોતાની પાછળ આવવા માંડ્યું: પિતાને આજ્ઞા કરી નિષેધ કરવાને પુત્રને અધિકાર નહીં તે ન વાપર્યો; પિતાની યોગ્ય આજ્ઞા જાણતાં પોતે વન જવા નીકળ્યા, પણ પોતાની પાછળ પિતા આવે તે પિતાના રાજધર્મના ભંગનું સાધક થાય, માટે એ વાતમાં પિતાની ઈચ્છાને પોતે અનુસર્યા નહીં; પણ રતોવાઈ ગુપ્તપણે પિતા નિદ્રાવશ હતા તે કાળે પોતે ચાલી ગયા. ગુરૂજનોની આજ્ઞા પાળવા ન પાળવાનો આ વિવેક. લક્ષ્મણજી ભક્ત હતા, તેમને સાથે ન આવવા સમજાવ્યા, પણ આગ્રહ કર્યો ત્યારે કહ્યું કે તમે આવવા સ્વતંત્ર છો. સીતાજીને ઘેર ર્‌હેવાનો લાભ બતાવ્યો ને વનવાસનાં દુ:ખ બતાવ્યાં. પણ સ્ત્રીને પતિના દુ:ખમાં, બળ કરી, ક્રોધ કરી, ગમે તેમ કરી, ભાગ લેવા અધિકાર છે ને! પતિનો ધર્મ છે કે તે અધિકારમાં વચ્ચે ન પડવું. વનમાં જવા સીતાએ રામ ઉપર ક્રોધ કરી રામની રજા મેળવી છે, અને શ્રીરામચંદ્રે નથી પુછ્યું દશરથને કે નથી પુછ્યું કૌશલ્યાને, અને કોઈને પુછ્યા વગર સીતાની આ ઈચ્છાને પોતે વશ થયા. આવી વાતોમાં સ્ત્રીનું સ્વાતન્ત્ર્ય અને સ્ત્રીનો અધિકાર બલિષ્ટ છે અને તે અધિકારમાં ન્યૂનતા કરવા પોતાની ઈચ્છાથી કે પોતાનાં માતાપિતાની ઈચ્છાથી પણ પતિને અધિકાર મળતો નથી તેનું આ દૃષ્ટાંત.