પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૯

“ મહારાજ યથાર્થ ક્‌હો છો.” સામંત બોલ્યો.

મલ્લરાજ – “હા, કહું છું તો ખરું. પણ એ ખરું કહેલું ભાઈઓના પેટમાં ખરું નહીં વસે અને રાજાઓને અને ભાયાતોને લ્હડવાનો વારો બીજાં રાજ્યમાં આવે છે તેમ આપણામાંયે આવશે, એમ મને શંકા ર્‌હે છે, આજ સુધીના રજવાડાઓ જુદા હતા, હવે જુદા થશે. જો, રાજ્‌ય એકનું એક ર્‌હેવાનું ને તે રાજાએ જાળવવાનું અને ભાયાતો અનેક ને દિવસે દિવસે વધવાના. આજ સુધી વધારે ગ્રાસ આપવો પડે તો રાજાઓ અને ભાયાતોનાં શસ્ત્ર નવી ભૂમિ પેદા કરતાં ને તેમાંથી ભાયાતોને ગ્રાસ જતો. તમે બે જણ આ બધા બોલ લખતા જાવ - હવે તો ભૂમિ હશે તેટલી ને તેટલી ને ભાઈઓ વધશે એટલે રાજ્યને ઘેર ખોટ પડશે ને રાજ્ય ન્હાનાં થઈ જશેઃ આ રાજા અને ભાઈઓના વિરોધનું પ્રથમ મૂળ. ભાઈઓને શસ્ત્ર વડે લ્હડવાનું ગયું એટલે જીભે કે લેખણે લ્હડશે, એ લ્હડતાં જાતે નહી આવડે એટલે કાયસ્થો અને મુત્સદ્દીઓ કમાશે અને આખરે ઈંગ્રેજો ન્યાયાધીશ થશે – તેની ખુશામત, તેને લાંચ, તે ગાળો દે તે વેઠવાની, તે લ્હડાવે તે પ્રમાણે લ્હડવાનું, વગેરે હલકટ વૈશ્યકળાઓમાં અને વૈશ્યયુદ્ધોમાં સર્વ ક્ષત્રિયો - કાં રાજાઓ અને કાં ભાઈઓ – ખુવાર થશે અને ખુવાર કરશે અને પરાયાંનાં પેટ ભરી તેમના ગુલામ થશે. લખો બે જણા કે મ્હારા રાજ્યમાં એ ન જોઈએ.”

“ક્ષત્રિયો વૈશ્ય જેવા કેમ થશે તે કહ્યું. હવે લખો કે રજવાડાઓના રાજાઓ બ્રાહ્મણો જેવા થઈ જશે. તેમને ઘર ઢોર વ્હાલાં થશે, તેમને જીવવું વ્હાલું થશે, તેમને મરવું અળખામણું થશે, તેઓ જરાજરામાં ડરશે, તેમને વ્યવહાર નહીં આવડે, ને બ્રાહ્મણો ભાંગ પીયે તેમ રજપુતો બીજાં વ્યસન કરશે. લખો - એ મ્હારા રાજયમાં ન જોઈએ. શસ્ત્રની પ્રીતિ મટી એટલે આ થવું નક્કી. એ પણ લખો.”

“ક્ષત્રિય પુરુષો સ્ત્રીયો જેવા થશે, તે લખો. 'હાય ! હાય ! પુત્ર કેમ ન થયો ?' તેની તેમને ચિંતા પેસશે. બ્હાર યુદ્ધ કરવાનાં મટ્યાં અને જોવા સાંભળવા મટ્યાં એટલે ઘરમાં પોતાની સ્ત્રીયોનાં યુદ્ધ જોશે, ઝાઝી સ્ત્રીયો પરણી તેમાં એકને વ્હાલી ને બીજીને અળખામણી કરશે, વ્હાલી સ્ત્રીયોનો પક્ષ કરી તેની સખી જેવા થઈ બીજી સ્ત્રીયો સાથે તેની સાસુ જેવા થઈ લ્હડશે. માજી રાજાઓની