પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શરીરને સચેત કર્યું અને એના પ્રાણમાં નવા પ્રાણ મુક્યા. અન્નપૂર્ણાના પ્રસાદની વૃષ્ટિ થતા પ્હેલાં તેનો મેઘોદય થતો હોય તેમ સરસ્વતીચંદ્રનો શ્રમ ઉતરી ગયો, ઉચકનારને ખભેથી પોતે ઉતરી પડ્યો, વિસ્મય તેમ આનંદથી ચારે પાસ દૃષ્ટિ ફેરવવા લાગ્યો, અને આ વિચિત્ર પવિત્ર સ્વપ્નના તાત્પર્યનો મર્મ અંતમાં શોધવા લાગ્યો.

એને જાગૃત થયેલો જોઈ જોગીયો ખુશી થયા, એની ચારે પાસ વીંટાઈ વળ્યા. ગુરુજી મઠમાં પધાર્યા હતા અને મઠના દ્વારમાંથી દીવાનો મંદ પ્રકાશ બ્હાર આવી સરસ્વતીચંદ્રના મ્હોં ઉપર પડતો હતો. મોહનપુરી એને વાંસે હાથ ફેરવી આતુરતાથી પુછવા લાગ્યો: “કેમ ભાઈ, તમે બરાબર જાગૃત થયા? તમારે શરીરે સુખ છે?”

આ સ્વપ્ન કે જાગૃત છે તે વીશે સંશયમાં પડેલા સરસ્વતીચંદ્રે ઉત્તરમાં પ્રશ્ન પુછ્યા: “ તમે સઉ કોણ છો? આ કીયું સ્થાન છે? અહીં કોનું રાજય છે? હું અહીં શી રીતે આવ્યો? આ સ્વપ્ન છે કે જાગૃત છે?"

મોહનપુરી બોલ્યો: “ભાઈ! આ આત્માનું સ્વપ્ન છે, પણ માયાનું જાગૃત છે; તું તો આવ્યો પણ નથી અને ગયો પણ નથી, પરંતુ ત્હારા શરીરને અમે જંગલમાંથી આણ્યું છેઃ કૃષ્ણ પરમાત્માના રાજયમાં સર્વ સમાન છે, પણ આ ચર્મચક્ષુના પ્રદેશનો ધરતીપતિ મહારાજ મણિરાજ છે. અમે ને તમે એક જ છીયે અને એ સર્વનું સ્થાન એક છે, પણ જે પ્રદેશપર આ સર્વ ચરણ ઉભા છે તેને મનુષ્યો સુન્દરગિરિ કહે છે. આ સુન્દરગિરિ પર્વત ઉપર વિષ્ણુદાસ બાવાનો મઠ છે અને આ સર્વ ગોસાંઈઓ એ મઠના આશ્રિત છીયે. પણ તમે કોણ છો ?” ગુરુજીએ વર્તેલું ભવિષ્ય ખરું છે કે ખોટું તેની પરીક્ષા કરવા મોહનપુરી આમ બોલ્યો, તેનું પ્રયોજન સર્વ ગોસાંઈઓ સમજી ગયા અને આતુરતાથી ઉત્તરને વાસ્તે ઉત્કંઠિત થયા.

જાગેલો પણ શ્રમ અને ક્ષુધાથી ઉંઘતા જેવો સરસ્વતીચંદ્ર આ પ્રશ્નોથી ચકિત થઈ ખરેખરો જાગ્યો. ચારે પાસ બાવાઓનું ટોળું જોઈ તે વચ્ચે પોતાને ઉભેલો જોઈ એ પણ સમયસંવાદી થઈ બોલ્યોઃ “સત્ય છે. આ અન્ધકારમાં તો ક્‌હો છો એમ જ છે, અને હું કોણ છું તે જાણો છો તો ઉત્તર શું કરવા જોઈએ? લાંબી વાતનો સંક્ષેપ એટલામાં છે, પણ જો તમે મઠના અધિકારી હો તો પ્હેલી વાત એટલી કરો કે આ શરીરને કંઈ અન્ન આપો અને નિદ્રા સારુ તસુ ધરતી આપો – તો પછી સ્વપ્ન અને જાગૃત એક જ છે.”