પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫

રાજભક્તિ ઉપર આરોપ મુકવા જેવું છે. આ આરોપને પાત્ર થવા જેવું તેમણે કંઈ કર્યું નથી, રત્નનગરીના ભાયાતો પોતાના રાજાઓ આપે તે લેતા આવ્યા છે, રાજાઓ માગે તે આપતા આવ્યા છે, અને પરાપૂર્વનો આ આપણો કુળાચાર તોડવાનો આરંભ કરવો અને તે મ્હારે હાથે તોડવાનો તે યોગ્ય નથી. ભાઈઓ મને દુષ્ટ ગણશે. મહારાજ, આપની આજ્ઞામાં અમને આનંદ છે, સંમતિ અને સરતો ક્‌હાડી નાખો.”

મલ્લરાજ – “ સામંત, મ્હારા ભાઈઓ ગઈ કાલે મ્હારા શબ્દ ઉપરથી માથું આપવા તૈયાર થયા હતા, છતાં હું તેમના ઉપર આવો આરોપ મુકું તો મ્હારા જેવો કૃતઘ્ન કોઈ નહીં ક્‌હેવાય. પણ ઘણો વિચાર કરી આ કામ કરું છું તે સાંભળ – લખવાની જરુર નથી - મનમાં સમજજે, રાજ્ય બદલાય ત્યારે સર્વે પ્રજાયે સાવધાન ર્‌હેવું પડે છે, તેમ યુગ બદલાય ત્યારે રાજાએ સાવધાન ર્‌હેવાનું છે. કુળે કુળે કુળાચાર અને યુગે યુગે યુગાચાર, સામંત, ચાતુર્માસમાં વાદળાના અંધકારથી સૂર્ય છવાએલો હોય એવા દિવસ તને લક્ષમાં હશે. તે દિવસે ન સમજાય બપોર અને ન સમજાય સાંઝ, અને અરણ્ય કે રણમાં હઈએ ત્યારે ન સમજાય પૂર્વ કે પશ્ચિમ ! આવે પ્રસંગે ડાહ્યા માણસે પળવાર ઉભાં રહી ચારપાસ આંખ ફેરવવી ને જોવું, કે પૃથ્વીના કયા છેડાપર જુદી જાતનો અંધકાર ઉદય પામે છે ને વધે છે, તે ઉપરથી પૂર્વદિશા અને સંધ્યાકાળ ઉભય સમજવો. તે કાળે નિત્યનો સૂર્ય દૃષ્ટિને જ્ઞાન આપતો નથી. તેમ જ આવા રાજપરિવર્ત અને યુગપરિવર્તને પ્રસંગે કુળાચાર અને યુગાચારથી દૃષ્ટિને જ્ઞાન મળતું નથી, આવે કાળે તો નવા યુગનો અંધકાર અથવા તેજ જે હોય તે કેણી પાસથી આવશે તે સત્વર જાણી લેઈ તે પ્રમાણે માર્ગ લેવાનો વિચાર કરવો, કારણ જો શંકાઓ અને સમાધાન કરવા ઉભો રહ્યો તો એ અંધકારની રેલ જોતાજોતામાં જગતને અને તને છાઈ દેશે અને પછી કોઈ માર્ગ દેખાડવા નહી આવે. ઘડીઘડીમાં જોતાજોતામાં જેમાં ભાગ્યચક્રો બદલાઈ જાય છે તેવા યુદ્ધોના પ્રસંગોના અનુભવવાળા આપણા રાજાઓ અને ક્ષત્રિયોની દૃષ્ટિ આવે સમે તીવ્ર થાય છે અને તેવે કાળે જુના આચારો શોધવા જવું એ તો ઘરમાં ને ગામમાં સર્વત્ર લ્હાય લાગી રહી હોય ત્યારે