પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૬

ઘરમાં પડી રહેલા પણ ચારે પાસ સળગવા માંડેલા બાપદાદાના જુના પેટીપટારા શોધવા જવા જેવું છે. હવે બોલ.”

સામંત –“ભલે મહારાજ, કુલાચારને પડતો મુકો પણ આ આરોપ અને અવિશ્વાસનું કારણ શું ?”

મલ્લરાજ–“ સામંત, સાંભળ. જે વૈશ્યયુદ્ધની રેલ ચારેપાસ આવી રહી છે તે આ ભૂમિમાં ન કરે નારાયણ ને આવે તો તે રેલમાં બુડતાં આપણાં માણસો અને તે નહી તો તેમનાં સંતાન – પેલા દુષ્ટ કર્ણ વાઘેલાના દીવાના દીવાન પેઠે - આ નવી બાદશાહીનું વાદળ આ નગરી ઉપર ઉતારવાનો પ્રયત્ન કરશે, અને જો એવો પ્રયત્ન કરે એવા તેઓ અધમ થશે તો મલ્લરાજની આજ્ઞાને એકપક્ષી અને અન્યાયમય શાસનની ઉપમા આપતાં તેમને ડરાવનાર વસ્તુ કેઈ રહી ? આજ નહી તો કાલ ને કાલ નહી તો પરમ આ નિમિત્તે ઈંગ્રેજને હાથે આપણું ઘર ઉઘાડું થવાનો પ્રસંગ આવશે, અને કરેલાં કામ ન સમજાતાં રાજા અને તેના ભાયાતોની પ્રીતિની કલ્પના કેમ થશે ? એ પ્રીતિ ઉઘાડી રહે અને નવા યુગના જુના યુગના સંગ્રહ કામ લાગે એવું આજથી કરી મુક.”

“સામંત, હું અપુત્ર છું ત્યાંસુધી તું મ્હારો વારસ છે - દેહનો વિશ્વાસ નથી – માટે આ મ્હારા મંત્ર હું તને બતાવું છું. આજ તું ભાયાત છે - કાલ રાજા થાય, રાજાનું રાજ્ય અને ભાયાતોના ગ્રાસ - બેની વચ્ચેનો - બેને જોડનારો- તું મ્હારો બળવાન પુલ છે, ત્હારે ઉભયપદનું સગપણ છે, ઉભયપક્ષનાં લાભહાનિમાં ત્હારે લાભહાનિની આશા છે – માટે આ કામે હું તને જ યોજું છું – બુદ્ધિમાં અને ભક્તિમાં પણ ત્હારા જેવું પાત્ર મને ક્યાં મળશે ? – માટે જ અને પ્રાતઃકાળમાં આવીને ક્‌હે કે આજ્ઞા પ્રમાણે સર્વ વાત થઈ ગઈ.”

સામંત વિચારમાં પડી આજ્ઞા માગી ગયો.

“જરાશંકર, તું ભારે ચિંતામાં પડેલો દેખાય છે.”

“હા, મહારાજ ! આપે મોટું સાહસ કર્યું.”

મલ્લરાજે હસવા માંડ્યું: "રાજ્ય છોડવાનું કહ્યું તે કે દરજીની પેઠે આ બધો મ્હારા ભાયાતોને જામ્યો શીવ્યો તે ?”

“બે વાનાં.”