પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૩


રાણી – “તેમના મનમાં કંઈ વાસના છે તે પૂર્ણ કરો તો તેઓ પ્રસન્ન થશે – મ્હારો આત્મા પણ પ્રસન્ન થશે.”

મલ્લરાજ – "એવું શું છે ?"

રાણી –“આપ વચન ઉચ્ચારો કે માગ્યું મળશે તો કહું.”

મલ્લરાજ – “રાણી, માગનારની ઈચ્છા જાણ્યા વિના જ – માગીશ તે આપીશ – એવા બુદ્ધમુષ્ટ ભાવી વરનું પ્રથમથી દાન કરવું એ વ્યવહાર સત્યયુગના દેવતા પાળતા, બ્રહ્મા એવાં વરદાન કવચિત્ કરતા અને શિવજી ઘણીવાર કરતા; પણ તે જગતના કર્તા અને સંહર્તા હતા. એટલે તેમને તેવો અધિકાર નીભતો, પણ જગતનું રક્ષણ કરનાર વિષ્ણુ એવું વરદાન કદી કરતા ન હતા, અને અમે રાજાઓના ધર્મમાં રક્ષણ કરવું એ વિષ્ણુનો અંશ છે. વળી જો, દૈત્યોને વામન સ્વરૂપ ધરી વિષ્ણુએ શીખવ્યું કે આવાં વરદાન તમારે ન કરવાં. માનવીઓને શ્રી રામચંદ્રજીએ વગર બોલ્યે શીખવ્યું કે દશરથજીએ કૈકેયીને વરદાન કર્યું એવું તમે કરશો તો દશરથજીનાં જેવાં દુઃખ પામશો. રાણી, સૂર્યવંશના શિરોમણિ રામચંદ્રજીનો ઉપદેશ તેમનાં સૂર્યવંશી છોરુ ન પાળે એમ થાય ?”

રાણી હસી પડી. “ મહારાજ, પ્રીતિના બંધનમાં આ પુરાણોના આધાર ન ચાલે.”

મલ્લરાજ – “ત્હારે પ્રીતિનો આધાર જોઈતો હોય તો ક્‌હે કે મ્હારી પટરાણીને અધિકાર વધારે કે ત્હારો ? – પટરાણીને પુછ્યા વિના તને વરદાન અપાય ખરૂં ?”

રાણી – “હું તો એમ જાણતી હતી કે આપને હું એક જ રાણી છું.”

મલ્લરાજ – “તમે પરસ્પર લ્હડો નહીં, માટે મ્હેં આજસુધી મ્હારી પટરાણીનું નામ ત્હારી પાસે દિધું નથી.”

રાણી – “ત્યારે હવે તો અમારાં એ બ્હેનનું નામ જણાવવા જેટલાં અમને ભાગ્યશાળી કરો, ને અમે તે ભેગાં રહ્યું જાણીયે છીયે કે નહી તેની કસોટી કરી જુવો તો ખરા.”

મલ્લરાજ – “એ તો બે ત્રણ નામ દેવાં પડે એમ છે –”

રાણી – “ત્યારે તો જાણ્યા વગર રહું તો અન્ન ગળે ન ઉતરે.”