પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગોસાંઈઓ આ ઉત્તરથી તૃપ્ત થયા, ગુરુજીની પરીક્ષા સફળ થઈ સમજી આશ્ચર્ય અને આનંદમાં મગ્ન થયા, અને અંધકારમાં ગાજી ઉઠ્યા: “શ્રીકૃષ્ણ પરમાત્માકો જય ! શ્રીરાધાકૃષ્ણકો જય!” સર્વ ગોસાંઈઓ માંહોમાંહ્ય ગુરુજીના ત્રિકાળજ્ઞાન ઉપર શ્રદ્ધા દૃઢ કરવા લાગ્યા અને ગુરુજીના અભિમત અતિથિનો સત્કાર કરવા તત્પર થઈ ગયા. વીજળી જેટલી ત્વરાથી મંદિરમાંથી તુલસીપત્ર સહિત પ્રસાદ લેઈ એક બાવો આવ્યો, બીજો બાવો નિર્મળ જળ ભરેલો લોટો લાવ્યો, ત્રીજાએ એક લીંપેલી ઓટલી ઉપર લીમડાના વૃક્ષ નીચે ગોદડી પાથરી તે ઉપર નવી ધોયેલી ચાદર પાથરી અને કરચલીનું નામ પણ રાખ્યું નહીં, ચોથાએ ન્હાની સરખી તાપણી કરી ત્હાડ અને અંધકારનો ઉપાય કર્યો, અને અંતે બોલ્યા ચાલ્યા વિના અતિથિને અન્નતુષ્ટ કરી, નિદ્રાવશ કરી, સર્વે પોતપોતાને સ્થાનકે વેરાઈ ગયા. કોઈએ થોડીવાર ગાંજો કુંક્યો, કોઈએ શ્રમ ઉતારવા વાર્તાવિનોદ કર્યો, કોઈ નિઃશબ્દ નિશ્ચેષ્ટ થઈ જાગતા આકાશના તારાસામું જોતા સુતા, કોઈએ જરીવાર ભજન કર્યું અને સર્વ પણ અંતે સાથેલાગા નિદ્રાસમાધિમાં પડ્યા. માત્ર પવન કંઈક વૃક્ષોનાં પત્રોમાં ઝીણો શબ્દ કરતો હતો; એકલા તારાઓ ઝીણી દૃષ્ટિ કરી જોતા હતા; એકલી સૃષ્ટિ વિના સર્વ જડચેતન નિદ્રાવશ થઈ ગયાં – કંઈક જતાં રહેલાં લાગ્યાં. આખી સૃષ્ટિમાં કેવળ રાત્રિ પણ ઝપાટાબંધ ચાલવા લાગી, અને પાછલી રાતના ચારેક વાગ્યા ન વાગ્યા હશે એટલામાં તો વ્હેલા ઉઠનારા જોગીયો ઉઠવા લાગ્યા. વ્યાઘ્રાદિની પેઠે તેજમાં તેમ જ અંધારામાં જોઈ શકતી અાંખોવાળા જોગીયોની અંધકારમાં આવજા થવા લાગી, એ ખડખડાટ ભડભડાટથી સરસ્વતીચંદ્રની નિદ્રા જતી રહી અને સુતો સુતો કાનમાં આવતા શબ્દને આવવા દેવા લાગ્યો. એનાથી બે ચારેક હાથને છેટે સુતેલા બે જોગીયો પથારીમાં પડ્યા પડ્યા વાતો કરતા હતા તેમાં સરસ્વતીચંદ્ર લીન થયો.

“ભૈયા, આ અતિથિ કોણ છે અને તમે ક્યાંથી આણ્યો છે? ગુરુજીનો એનાપર શાથી પક્ષપાત થયો છે ?”

“કાલ રાત્રે જંગલમાં મૂર્છાવશ પડેલો જડ્યો તે ઉચકી આણ્યો. ગુરુજીએ સમાધિથી ભવિષ્ય વર્ત્યું છે કે એ મહાત્મા થશે અને આ મઠનો એ પુરુષ ઉત્કર્ષ કરશે. એની સાથે થયેલા પ્રશ્નોત્તર તો સાંભળ્યા કની ? ”

પોતે આ વાતનો વિષય છે અને પોતાને વીશે આ વર્તારો થયો છે જાણી સરસ્વતીચંદ્રના મુખ ઉપર અંધારામાં પણ સ્મિત ફરક્યું.