પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૫


રાણી – “હું હાસ્ય નથી કરતી. જે વાત સામંતસિંહે ક્‌હાવી છે તે મ્હારા મનમાં પણ ઘણા દિવસની ભરી રાખેલી હતી.”

મલ્લરાજ - “હું...હાસ્ય...નથી...કરતો. પણ...તમારા...મનમાં ...ભરી...રાખેલી...એ...વાત...હજીએ...તેમાં...જ...રાખી...મુકો ...અને સળી જઈ ત્યાં નાશ પામે એમ થવા દો.”

રાણી – “મહારાજ, હું રંકના ચાળા શા માટે પાડો છો ?”

મલ્લરાજ – “ચાલ, ચાળા નહી પાડું. મ્હારી ત્રણે પટરાણીઓ આ વાતમાં તમારું કહ્યું માનવાની ચોખી ના ક્‌હે છે. માટે તેમનું વચન હું લોપવાનો નથી. એ ઉત્તર તમે જ સામંતને ક્‌હાવજો કે અમે તો અમારા વંશના વડીલ શ્રીરામજીનું એકપત્નીવ્રત પાળીયે છીયે તે મુકી, તમારા શાસ્ત્ર અને સંપ્રદાયને મ્હોટા ભા કરી મલ્લરાજ ઘરમાં અનેક સ્ત્રીયો ભેગી કરવાનું સ્ત્રીપણું નહી સ્વીકારે. મલ્લરાજ પછી તમારે જાતે ગાદીએ બેસવાનો પ્રસંગ ઈશ્વર આપે તો તમે રાજા થાવ ત્યારે તમે જાતે ઘરમાં અનેક રાણીઓ સંપાડવાને સ્વતંત્ર છો પણ કાલનો જ લેખ સંભારજો – અનેક સ્ત્રીયોનો ધણી તેમના જેવી સ્ત્રી - સાસુ કે નણંદ જેવો – થાય છે તે રત્નનગરીના પુરુષોને કરવાની મનાઈનો મુચરકો સામંતની પાસે છે તે સામંતે જોવો. સામંતનાં ઠકરાળાંને ક્‌હેજો કે ઘેલા રજપુતની ડાહી રજપુતાણી બની એ ઘેલાને ડાહ્યો કરજો ને તમે એના જેવાં ઉલટાં ઘેલાં ન થશો. ક્‌હો, મેનારાણી, હવે કાંઈ તમારે ક્‌હેવાનું છે?”

રાણી – “કહ્યું માનો તો ઘણું યે છે.”

મલ્લરાજ – “એ...તો ...તમારો... પાસો...અવળો... પડી... ચુક્યો. એ શીવાય કાંઈ બીજું છે ?”

રાણી – “એ ને એ.”

મલ્લરાજ – “અમારે એ એની એ ના – એની એ ના !”

રાણી – “મહારાજના ઉપર કોઈનું બળ નથી.”

મલ્લરાજ - “બરોબર ત્યારે હું જાઉ છું – મ્હારી પટરાણીઓને મ્હોલ.”

રાણી - “મહારાજ, કૃપાકાળે પાછા પધારજો.”

રાણીને કપોલદેશે કૃપાદાન કરી રાજા ગયો. મલ્લરાજની ચિન્તાઓના નાટકનો આ અંક પુરો થયો.