પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૭

બરોબર છે – આ સૂચના એની રાજભક્તિનું ફળ છે અને એ ભક્તિના બદલામાં મ્હેં એનો બહુ તિરસ્કાર કર્યો. મ્હેં ભુલ કરી. જરાશંકર, ત્હારે એ ભુલ સુધારવી અને સામંતપાસે ખુલાસો કરી એનો ઉપકાર માનવો.”

જરાશંકર હસી પડ્યો. “હા, મહારાજ, રાજાઓ ભુલો કરે અને પ્રધાનોએ તે સુધારતાં ફરવું.”

મલ્લરાજ – “બીજાં રાજ્યોમાં તો એમ નિત્ય કરવું પડે છે. આપણા રાજ્યમાં આજ વારો આવ્યો.”

જરાશંકર – “મહારાજ, પ્રધાનની સાથે મંત્ર થયા વિના જે કાર્ય થાય તેમાં પશ્ચાત્તાપનો પ્રસંગ આવે તે રાજાને; તેના કરતાં પ્રધાનની સાથે મંત્ર કરી તેની જે ઈચ્છાથી કામ થાય તેમાં પશ્ચાત્તાપનો વારો આવે તો તેમાં પ્રધાનને ભાગે પણ કાંઈ આવે.”

મલ્લરાજ – “ત્હારો અધિકાર વધારવા આ વકીલાત કરતો હઈશ ?”

જરાશંકર – “ હા, મહારાજ !”

મલ્લરાજ – “કબુલ ! મ્હારા સ્વતંત્ર અને છાતીવાળા પ્રધાન ! મ્હારી પાસે તું આવે પ્રસંગે મ્હારી ભુલ ઉઘાડી કરી બુદ્ધિબળથી જે વાતનો સ્વીકાર કરાવે તેની મલ્લરાજ કેમ ના ક્‌હેશે ? પણ ક્‌હે, એ વાત જ કાંઈક મનમાં આવ્યાથી પ્રધાનદ્વારા મને આવી વાત ન કરતાં રાણીદ્વારા આવી ખટપટ કરે તે સામંતનો તિરસ્કાર કરવામાં મ્હેં શું ખોટું કર્યું ? તું જ ક્‌હે છે કે રાજ્ય-અર્થે સામંત આ સૂચના કરે છે, ને રાજ્ય-અર્થની વાત પ્રધાનદ્વારા ન કરતાં સ્ત્રીયો દ્વારા કરે તેને ધક્કો મ્હારી બહાર ન ક્‌હાડું તો બીજું શું કરું ?”

જરાશંકર – “મહારાજ, હું હાર્યો, પણ આપણે હવે પ્રસ્તુત વાત કરીયે. સામંતના સંદેશાના ગુણદોષ વિચારીયે. રાજબીજનો નાશ ન થાય એ કારણે અનેક ક્ષેત્રનો સંગ્રહ અંતઃપુરમાં વિહિત ગણ્યો છે; રાણીજીને ને સામંતને તે વાત ઇષ્ટ હોય તો તે કર્તવ્ય જ.”

મલ્લરાજ – “એનો વિચાર કરી મુક્યો છે-તે ટુંકામાં સાંભળ. પ્રથમ તો એ કે કામમાં જાતે જ અધર્મ હોય તો તે લક્ષમાં રાખજે કે રાણીની અને સામંતની સંમતિથી તે ધર્મ્ય ન થાય. મરનારની સંમતિથી કરેલ તેના બુનમાંથી એ સંમતિને લીધે પાપનો અંશ ઓછો થતો નથી. બીજું, એ સંમતિ આપનારની જેટલી મ્હોટાઈ