પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮

તેટલી જ તે લેનારની હલકાઈ ને દુષ્ટતા. ત્રીજું, એમાં લાભ હોય તો એ એક લાભને એક ત્રાજવામાં મુક અને તેના સામા ત્રાજવામાં હાનિ મુક – તો હાનિ વધશે. ક્ષત્રિયોને બે ચાર સ્ત્રીઓ વચ્ચે મુકી તે પુરુષોનું સ્ત્રીરૂપ કરવાનું આ કામ મને બહુ હાનિકારક લાગે છે અને આ નવા યુગમાં તે ન કરવું એ તો મ્હેં જ નક્કી કર્યું છે, ને ભાયાતોને તે ન કરવાનું કામ કરવાનો માર્ગ હું રાજા કદી નહી બતાવું.”

જરાશંકર – “પણ મહારાજ, રાજબીજનો નાશ એ ઓછી હાનિ નથી.”

મલ્લરાજ – “સિંહને એક જ સિંહણ હોય છે ને એકાદ બાળક હોય છે; એક ભુંડની આસપાસ અનેક ભુંડણો અને અનેક ભુંડકાં એકઠાં કરવાં એ ક્ષુદ્ર માર્ગથી વીર્યતેજ એકત્ર ન ર્‌હેતાં કડકા કડકા થઈ જાય છે. એક ભુંડનાં અનેક ભુંડકાં કરતાં એક સિંહનો એક સિંહબાળ પિતૃપક્ષનું તેજ વધારે સાચવે છે. શ્રૃંગારવાસના પણ આમાં જ નિર્મળ ર્‌હે છે. જરાશંકર, રત્નનગરીના રાજાઓ સિંહ જેવા છે.”

જરાશંકર – “મહારાજ, આમાં મ્હારા પ્રશ્નનો ઉત્તર ન આવ્યો, કડકા થયેલું પણ રાજબીજ ને રાજાને ઘેર સંસ્કાર પામેલું, તેની ઉત્તમતા સાધારણ ઘરમાંથી ન મળે. વળી હું અનેક પુત્રો ઉત્પન્ન કરવાનું કહેતો નથી. પણ એક પુત્રનો લાભ શોધવા અનેક ક્ષેત્ર રાખવા કહું છું."

મલ્લરાજ–“ એક આખા નિર્મળ અને પ્રસન્ન કાચમાં જેવું શુદ્ધ પ્રતિબિમ્બ પડે છે તેવું ઘણાં પાસાંવાળા કાચમાં કદી પડવાનું નથી. આખો કાચ ને એક પત્ની, એ પાસાં તે અનેક પત્નીઓ, એક પત્નીપર અભિન્ન પ્રીતિથી જે પ્રજા તે જ ઉત્તમ.”

જરાશંકર – “પણ ઉત્તમ ન મળે તો ઉતરતું લેવા પ્રયત્ન કેમ ન કરવો ?”

મલ્લરાજ – “જો ઉત્તમ ન મળે તો ઉતરતી પ્રજા તો મ્હારા ભાઈઓમાંથી કેમ નહીં મળે ? તેઓ પણ મૂળ રાજબીજ છે – તેમાંથી મૂળ રાજા સાથે વધારેમાં વધારે સંબદ્ધ હોય તે જ રાજાનો વારસ.”

જરાશંકર - “સત્ય, પણ તેને રાજ-કુળના સંસ્કાર પ્રાપ્ત નથી હોતા.”