પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૯


મલ્લરાજ – “તે ન્યૂનતાનો ઉપાય મ્હારા ભાઈઓ સાથે કરેલા લેખમાં છે. મ્હારા ભાઈઓને રાજસંસ્કાર અને ક્ષત્રિયસંસ્કાર નિત્ય બને તેટલા આપતાં રહેવું એ મ્હારા વારસો અને તેમના પ્રધાનોનું મ્હોટું કર્તવ્ય.”

જરાશંકર – “પણ એવો પ્રસંગ આવે કે વારસ કેવળ અયોગ્ય હોય અને સંસ્કારની યોગ્યતા પણ તેમાં ન હોય ?”

મલ્લરાજ – “તો જે આઘેનો બાળક યોગ્ય અને ઉત્તમ હોય તેનું દત્તકવિધાન ક્યાં થતું નથી ?”

જરાશંકર – “પણ આમ કરતાં વિરોધ અને ખટપટનો સંભવ. એટલું જ નહી, પણ રાજાની પાછળ દત્તક લેવાનું ઠરે તો સ્ત્રીયો અને બીજાના હાથમાં વાત જાય.”

મલ્લરાજ – “દત્તક લે તો તો રાજા જ – તેના સ્વતંત્ર અધિકારથી તે કામ કરે. તેણે જીવતાં દત્તક ન લીધો હોય તો પાછળ જીવનારે એમ જ જાણવું કે મરનાર રાજાએ વારસને જ યોગ્ય ગણેલો છે. આવા વારસના હાથમાંથી રાજ્ય લેઈ લેવું તે કોઈ માનવીના અધિકારની વાત નથી.”

જરાશંકર – “મહારાજ, હું હાર્યો.”

મલ્લરાજ – “તે સામંતને સમજાવજે. સામંતને સમજાવજે કે જ્યાંસુધી એ પોતે મ્હારા રાજ્યને યોગ્ય છે એવો મ્હારો અભિપ્રાય ચળ્યો નથી ત્યાંસુધી હું મલ્લરાજ કોઈને દત્તક લેઉં એમ પણ થનાર નથી, તો પુનર્લગ્ન કરી મ્હારું ક્ષત્રિયપણું, મ્હારું રાજ-અભિમાન, અને મ્હારી રાણીપરની મ્હારી પ્રીતિ – એ સર્વને કલંક બેસે એવું કામ મલ્લરાજ દેહમાં પ્રાણ છતાં કદી કરનાર નથી. ઈશ્વર પુત્ર આપનારો હશે તો એક રાણીને ઉત્તમ પુત્ર ગમે ત્યારે આપશે – નહી આપનારો હોય તો સો રાણીનો સ્વામી અપુત્ર ર્‌હેશે, જરાશંકર, સામંતને તેની રાજભક્તિ સારું ધન્યવાદ આપજે, પણ ક્‌હેજે કે પુત્રની અતિશય કામના કરવી તે બ્રાહ્મણવાણીયાને કપાળે લખી છે – મ્હારે કપાળે નહીં. એક રાણીને પુત્ર થશે તો તેને ભાગ્યે થશે. તેનું તેવું ભાગ્ય નહીં હોય તો મ્હારા ભાઈઓનું સદ્દભાગ્ય કમી કરવા મ્હારું નાક વ્હાડી તેમનું અપમાન કરવા જેવું કામ હું નહી કરું, અને કારણથી વધારે કારણથી એ મ્હારી મેના રાણીની પ્રીતિના બદલામાં તેને અન્યાય આપવાનું કામ, તેમ મ્હારી